સાસણગીરમાં ફેક વેબસાઇટનો મામલો
દેશ વિદેશના પ્રવાસીઓ સાથે છેતરપિંડી
ઓનલાઇન બુકિંગથી પડાવતા હતા નાણાં
ફેક વેબસાઈટ મુદ્દે પોલીસમાં થઈ હતી ફરિયાદ
પોલીસે રાજસ્થાનથી યુવકની કરી ધરપકડ
જૂનાગઢના ગીર નેશનલ પાર્ક સાસણગીરમાં રૂમ અને સફારી બુક કરવાની ફેક વેબસાઈટ બનાવી પ્રવાસીઓ સાથે સાયબર ફ્રોડની ઘટના પ્રકાશમાં આવી હતી.આ બનાવમાં પોલીસે રાજસ્થાનના મુખ્ય સુત્રધાર રાશિદ ખાન મેવાતીની ધરપકડ કરી હતી.
જૂનાગઢના ગીર સાસણમાં રૂમ અને સફારી બુક કરવાની ફેક વેબસાઈટ બનાવી સાયબર ફ્રોડ કરતી ફરિયાદ મેંદરડા પોલીસ મથકમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરે નોંધાવી હતી.ગીર સાસણના સરકારી સિંહસદન ગેસ્ટ હાઉસમાં કોઈ જાતની ઓનલાઇન બુકિંગ કે વેબસાઇટ અમલમાં ન હોય તેમ છતાં કોઈ અજાણ્યા શખ્સે નકલી વેબસાઇટને અસલી વેબસાઇટ જેવી બનાવી હતી, અને રૂમ બુકિંગ તેમજ સફારીનું બુકિંગ લઇ નાણાં ટ્રાન્સફર કરાવી નકલી રિસીપ્ટ ઇસ્યુ કરી પ્રવાસીઓ અને વનવિભાગ સાથે છેતરપિંડી આચરતા પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી.
આ વેબસાઈટ રાજસ્થાનના ડિગ જિલ્લામાંથી ઓપરેટ થતી હોવાનું જણાતા આરોપીને દબોચી લેવા માટે પોલીસે પ્રયાસ કર્યા હતા.જેમાં પોલીસને સફળતા મળી હતી.પોલીસે રાજસ્થાનથી આરોપી રાશિદખાન અયુબખાનની ધરપકડ કરી હતી.અને પોલીસે ગુનો આચરવા માટે વોટ્સએપ કોલિંગનો ઉપયોગ કરતા બે મોબાઈલ ફોન પણ કબજે કર્યા હતા. આ ગુનાની કુલ 20 અન્ય ફરિયાદો પણ થઇ છે,જેમાં વડોદરા,ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, દિલ્હી, તેલંગણા, અને હરીયાણા રાજ્યના નાગરીકોનો સમાવેશ થાય છે.