દાંતા તાલુકાના પાડલીયા ગામમાં સર્જાયો હતો વિવાદ
જંગલ ખાતાની જમીન વિવાદમાં બની હુમલાની ઘટના
આદિવાસી લોકો અને પોલીસ-વન વિભાગ વચ્ચે ઘર્ષણ
ઘટનામાં 45થી વધુ જવાનો, 35 આદિવાસીઓને ઇજા
દાંતા પ્રાંત કચેરી આદિવાસી સમાજ દ્વારા ધરણાં પ્રદર્શન
સાંસદ, ધારાસભ્ય સહિત કોંગ્રેસ દ્વારા સમાજને સમર્થન
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાનાં પાડલીયા ગામની ચકચારી હુમલાની ઘટના બાદ આદિવાસી સમાજ દ્વારા ધરણાં પ્રદર્શન યોજાયા હતા. જેઓના સમર્થનમાં સાંસદ, ધારાસભ્ય સહિત કોંગ્રેસ આગેવાનો આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાડલીયા ગામે તાજેતરમાં જંગલ ખાતાની જમીન વિવાદમાં આદિવાસી લોકો અને પોલીસ તેમજ વન વિભાગની ટીમ વચ્ચે ઘર્ષણની ઘટના બની હતી. આ ઘટનામાં હુમલાખોરોએ પથ્થર અને તીર કામઠાથી હુમલો કરતાં 45થી વધુ જવાનો ઘાયલ થયા હતા, જ્યારે પોલીસના 50 રાઉન્ડ ફાયરિંગ, ટિયર ગેસ અને લાઠીચાર્જ વખતે નાસભાગમાં 35 આદિવાસીઓ ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર બનાવના પગલે પંથકમાં અરાજકતા વ્યાપી ગઈ હતી.
તો બીજી તરફ, આ ઘટનાને આજે 5 દિવસ વીતી ગયા હોવા છતાં તંત્રમાંથી કોઇપણ અધિકારી ઇજાગ્રસ્ત આદિવાસીઓના ખબર અંતર પુછવા આવ્યું નથી. જેના પગલે આદિવાસી સમાજ લાલઘૂમ થયો છે. ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડતાં દાંતા પ્રાંત કચેરી ખાતે ન્યાય માટે આદિવાસી સમાજ દ્વારા ધરણાં પ્રદર્શન યોજાયા હતા. જેમાં સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્યો જીજ્ઞેશ મેવાણી, કાંતિ ખરાડી સહિત કોંગ્રેસના આગેવાનો પણ ધરણાં પ્રદર્શનમાં જોડાયા હતા. ધરણાં દરમ્યાન આદિવાસી સમાજને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.