વડોદરા અને કેવડિયાકોલોની વચ્ચે આજે બપોરે ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત થતાં ત્રણ કિમી સુધી ટ્રાફિક જામ થયો હતો.ફાયર બ્રિગેડે ફસાયેલા બે જણાને બહાર કાઢ્યા હતા.ડભોઇરોડ પર રતનપુર પાટિયા નજીકથી પસાર થતા કપચી ભરેલા ડમ્પર અને સળિયા ભરેલી ટ્રક ધડાકાભેર ભટકાતાં બે જણા ફસાયા હતા.બનાવને પગલે બંને બાજુ વાહનોની લાંબી કતાર જામી હતી.
સ્થાનિક લોકો અને વાહનચાલકોએ ફસાયેલા બે જણામાંથી એક ને બચાવ્યો હતો.જ્યારે લોખંડના સળિયા નીચે ફસાયેલા ડ્રાઇવરને કાઢવા માટે વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવાઇ હતી.પાણીગેટ ફાયર સ્ટેશનના ઓફિસર અમિત ચૌધરીએ કહ્યું હતું કે,અકસ્માતના સ્થળે પહોંચવું ખૂબ મુશ્કેલ હોવાથી ફાયર બ્રિગેડના વાહનને રોંગ સાઇડેથી લઇ જવું પડયું હતું.ટ્રકના પતરાં કાપીને દોઢ કલાકે ડ્રાઇવરને બહાર કાઢી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.