/connect-gujarat/media/post_banners/00ba92681c0db343a2f753f038224cb78ad4634dd0139c40452aaa9dc7772826.jpg)
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભાડાસી ગામે દેવાયતબાપા બોદરની પ્રતિમાનું અનાવરણ તેમજ અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠનનો ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.
રા નવઘણના પ્રાણ બચાવનાર, જેણે પોતાના એકના એક દીકરાની કુરબાની આપી જુનાગઢના વંશને બચાવનાર એવા વીર આહીર દેવાયતબાપા બોદરની પ્રતિમાનું ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલ ભાડાસી ગામના સમસ્ત આહીર સમાજના યુવાનો, વડીલો, માતા બહેનો દ્વારા ભારે જહેમતો ઉપાડી દેવાયત બોદર પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જેમાં સૌપ્રથમ શોભાયાત્રા યોજી આહીર સમાજની બહેનો દ્વારા પરંપરાગત પહેવેસ સાથે સામુહિક રાસ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમના પ્રારંભે મહેમાનોનું પુષ્પગુછ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જે બાદ નામી અનામી મહાનુભાવોની ઉપસ્થિતીમાં દેવાયતબાપા બોદરની પ્રતિમાની પૂજા કરવામાં આવી હતી. ઇતિહાસમાં પ્રથમ વખત અખિલ ભારતીય આહીર સંગઠનના નેજા હેઠળ આહીર સમાજની બહેનો દેવીબેન વાળા, નંદુબેન ભમ્મર, રાજેશ્રીબેન આહીર તેમજ જાહલબેન દ્વારા દેવાયતબાપા બોદરની પ્રતિમાનું અનાવરણ કરી ખુલ્લી મુકવામાં આવી હતી. આ સાથે જ આગામી તા. 23 અને 24 ડિસેમ્બરના રોજ દ્વારકા ખાતે અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠનનું પ્રતિનિધિત્વ કરી રહેલ બહેનો દ્વારા સ્નેહમિલન સમારોહ તેમજ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પણ જણાવ્યુ હતું.