Connect Gujarat
ગુજરાત

“સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત રાજ્યમાં ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું, અભિયાનને મળી લોક ભાગીદારી...

સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા એ જ સેવા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે..

X

સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા એ જ સેવા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે રાજ્ય સરકારના સ્વચ્છતા અભિયાનને ભવ્ય લોક ભાગીદારી મળી રહી છે.

“સ્વચ્છતા હી સેવા” સફાઇ અભિયાન હેઠળ ગીર સોમનાથ જિલ્લાની સુત્રાપાડા નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારો, ધાર્મિક સ્થાનો સહિતની જગ્યાઓ અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સાફ-સફાઇ કરવામાં આવી હતી. શહેરમાં સૂર્યકુંડ, ચ્યવનઋષિ આશ્રમ, ચ્યવન કુંડ તેમજ તેની આજુબાજુના વિસ્તારની સફાઇ કરી લોકોને ગમે ત્યાં કચરો નહીં ફેકવા અપીલ કરી હતી.

સ્વચ્છતા એ જ સેવા કાર્યક્રમ અંતર્ગત જામનગર જિલ્લાના વિવિધ 155 સ્થળોએ સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી. જેમાં સફાઈ કામદારો સાથે સ્થાનિક નાગરિકોએ પણ ઉત્સાહભેર ભાગ લઈ સાફ-સફાઈ કરી હતી. આ સાથે જ લોકોએ 58 કલાક જેટલું યોગદાન આપી 2.13 ટન જેટલો કચરો એકત્ર કરી તેનો નિકાલ કર્યો હતો. ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આયોજનબદ્ધ થીમ આધારિત દર અઠવાડિયે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.

ભાવનગર જિલ્લામાં "સ્વચ્છતા હી સેવા" અભિયાન અંતર્ગત ડેમ અને નહેરોની સફાઈ હાથ ધરવામાં આવી હતી. ભાવનગર જળ સિંચાઈ વિભાગ દ્વારા ભાવનગર હસ્તકના શેત્રુંજી ડેમ, રજાવળ ડેમ, ખારો ડેમ, હમીરપરા ડેમ તેમજ લાખણકા ડેમ તેમજ શેત્રુંજી કાંઠા નહેરો ખાતે "સ્વચ્છતા હી સેવા અભિયાન" અંતર્ગત ડેમ તેમજ નહેરમાંથી ઘન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ઝાડી- ઝાંખરા દૂર કરવા તેમજ ડેમની આસપાસનો કચરો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપુતે પાતાળેશ્વર મંદિરે દર્શન કરી કીર્તિસ્તંભ વિસ્તારમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતાનું નિરીક્ષણ કર્યુ હતું. પાલનપુર નગરમાં ગંદકી અટકાવવા તથા શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે CCTV દ્વારા સતત મોનિટરિંગ કરવા પ્રભારી મંત્રીએ તંત્રને સૂચન કર્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 'સ્વછતા હી સેવા' અભિયાન વેગવંતુ બન્યું છે. જે અન્વયે જિલ્લાના વઢવાણ તાલુકાના કટુડા ગામ ખાતે ગ્રામજનોએ લીમડો, પીપળો, કેસુડો, કણજી વગેરે જેવા 1500થી વધુ ઉપયોગી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. કટુડાના ગામજનોએ વૃક્ષારોપણ તેમજ સફાઈ પ્રવૃત્તિઓ કરી ગામને સુંદર અને સ્વચ્છ બનાવવા માટે અન્યોને પ્રેરણા પૂરી પાડી હતી.

તો બીજી તરફ, દક્ષિણ ગુજરાતમાં પણ "સ્વચ્છતા હી સેવા અભિયાન"ને સારો પ્રતિસાદ મળ્યો હતો. સમગ્ર વલસાડ જિલ્લામાં "સ્વચ્છતા હી સેવા અભિયાન" વેગવંતુ બન્યું છે. વલસાડ નગરપાલિકા દ્વારા હાલર તળાવ, મોગરાવાડી મોટા તળાવ અને વાલિયા ફળિયામાં પાણીની ટાંકીની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી. ધરમપુર નગરપાલિકા દ્વારા પુરાતત્વીય સાઈટની સાફ-સફાઈ કરવામાં આવી હતી.

Next Story