/connect-gujarat/media/post_banners/5d1bb2d1e4dd20bd30e829d549e1bb2f83628c38c2515a2106fc8bd21b167a67.jpg)
ગુજરાત સહિત આજરોજ સમગ્ર દેશમાં GST સેવા કેન્દ્રની શરૂઆત કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કરાવી હતી. જે અંતર્ગત સમગ્ર ગુજરાતમાં 12 GST સેવા કેન્દ્રના લોકાર્પણ કરવામાં આવ્યા હતા.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે ગુજરાતમાં 12 GST સેવા કેન્દ્રનો વલસાડ ખાતેથી આરંભ કરાવ્યો હતો. ઔદ્યોગિક નગરી વાપીમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈની હાજરીમાં નિર્મલા સીતારમણે GST સેવા કેન્દ્રનો આરંભ કરાવ્યો હતો. GSTની સેવાને સરળ અને વધુ સુદ્રઢ કરવાના હેતુ સાથે વાપીમાં બાયોમેટ્રિક GST રજીસ્ટ્રેશનની સુવિધા શરૂ કરવામાં આવી છે. પોતાના સંબોધનમાં નિર્મલા સીતારમણે દેશના GST રિફોર્મ બાદ આવેલા ફેરફારો અને સરકારની આવકમાં થઈ રહેલી અસર અને વધારાને લોકો સમક્ષ મૂક્યો હતો. સાથે જ ગુજરાતમાં GST રીફોર્મ માટે થઈ રહેલા રાજ્યના નાણા વિભાગના પ્રયાસોને પણ કેન્દ્રીય નાણામંત્રીએ બિરદાવ્યા હતા. દેશના અન્ય રાજ્યોએ પણ ગુજરાતના આ પ્રયાસોનું અનુકરણ કરવું જોઈએ તેવું નિર્મલા સીતારામને સૂચન કર્યું હતું. આ સાથે થોડા સમય અગાઉ જ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા “મેરા બિલ મેરા અધિકાર” યોજના અંતર્ગત લકી ડ્રોના પહેલા 5 વિજેતાઓને પણ કેન્દ્રીય અને રાજ્યના નાણામંત્રીના હસ્તે ઇનામોના ચેક એનાયત કરવામાં આવ્યા હતા. આમ “મેરા બીલ મેરા અધિકાર” યોજનાથી થયેલા ફાયદાને નિર્મલા સીતારમણે જણાવી વ્યાપારીઓને પણ ગ્રાહકોને ખરીદીનું ટેક્સ સાથેનું બિલ આપવા અપીલ કરી હતી. લોકોને પણ કોઈપણ ચીજ વસ્તુઓ ખરીદતી વખતે બિલ લઈ અને સરકાર અને દેશની સેવામાં યોગદાન આપવા માટે પણ આહવાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ, કેન્દ્ર અને રાજ્યના GST વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં વાપી-વલસાડ ઉપરાંત પડોશી સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના ઔદ્યોગિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.