નર્મદા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં એક નવો અધ્યાય જોડાયો
30 MW પાવર કો-જનરેશન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું
50 મેટ્રિકટન ઓર્ગેનિક પોટાશ પ્લાન્ટનું પણ વિશેષ લોકાર્પણ
ગાંધીનગર ખાતેથી કેન્દ્રિય ગૃહમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ કરાયું
પોટાસ પ્લાન્ટનું લોકાર્પણ થતાં ખેડૂતોને હવે સીધો ફાયદો થશે
નર્મદા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં આજે એક નવો અધ્યાય જોડાયો છે. ધારીખેડા સ્થિત નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી ખાતે 30 મેગાવોટ પાવર કો-જનરેશન પ્લાન્ટનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે જ 50 મેટ્રિક ટન દૈનિક ઓર્ગેનિક પોટાશ પ્લાન્ટનું કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કરી ખેડૂતો અને સહકારી સંસ્થાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામ પટેલ પણ ગાંધીનગર ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઈ-લોકાર્પણ પ્રસંગે ધારીખેડા નર્મદા સુગર ફેક્ટરી પરિસરમાં પણ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ 30 મેગાવોટના પાવર કો-જનરેશન પ્લાન્ટથી ખાંડના ઉત્પાદન સાથે વીજળીનું પણ ઉત્પાદન થશે. જે મંડળીની આવકમાં વધારો કરશે અને પર્યાવરણને પણ અનુકૂળ રહેશે. સાથે સાથે 50 મેટ્રિક ટન દૈનિક પોટાસ પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવતા ખેડૂતોને સીધો ફાયદો થશે.