Connect Gujarat
ગુજરાત

અનોખી માન્યતા : જો કોઈ ગર્ભવતી મહિલા ભૂલથી પણ આ વાવ પાસેથી પસાર થઈ તો કરાવવી પડશે આ વિધિ..!

ભિલોડા તાલુકાના મુનઈ ગામ ખાતે 975 વર્ષ જૂની વાવ આવેલી છે. અહીંથી વર્ષો પહેલા બ્રહ્માણી માતાજી અને વિષ્ણુ ભગવાનની મૂર્તિ નીકળી હતી.

X

સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકાના મુનઈ ગામ ખાતે 975 વર્ષ જૂની વાવ આવેલી છે. અહીંથી વર્ષો પહેલા બ્રહ્માણી માતાજી અને વિષ્ણુ ભગવાનની મૂર્તિ નીકળી હતી. આ વાવ વિશે એવી માન્યતા છે કે, જો કોઈ ગર્ભવતી મહિલા અહીથી પસાર થાય તો તેને પોતાના બાળકની બાબરી કરાવવા અહીં આવવું પડે છે.

સાબરકાંઠાના ભિલોડા તાલુકાના મુનાઈ ગામમાં 975 વર્ષ જૂની વાવ આવેલી છે. આ વાવ વિશે માન્યતા છે કે, અહીંથી કોઈપણ ગર્ભવતી સ્ત્રી પસાર થાય તો ભલે સ્ત્રીને વાવ વિશે ખ્યાલ ન હોય તો પણ તેને પોતાના સંતાનની બાબરી એટલે કે, મુંડન કરાવી બાધા પૂર્ણ કરવી પડે છે. આ બાબતે ગામમાં રહેતા આગેવાન ભીખાભાઈ પટેલનું કહેવું છે કે, 975 જેટલા વર્ષ પહેલા વણઝારા સમાજના કેટલાક લોકો દ્વારા આ વાવ ખોદવામાં આવી હતી. જેમાંથી શેષનાગ પર બિરાજેલા વિષ્ણુ ભગવાન અને બ્રહ્માણી માતાજીની મૂર્તિઓ નીકળી હતી. અહીં વિષ્ણુ ભગવાનને શીતળા માઁ તરીકે પૂજવામાં આવે છે. અત્યાર સુધી 3 વાર આ વાવનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. જોકે, દર રવિવાર અને મંગળવારે લોકો પોતાના સંતાનની બાબરી અને બાધા પૂર્ણ કરવા માટે બ્રહ્માણી માઁના મંદિરે આવે છે. દર મહિને અહીં ઘીના 50 ડબ્બાથી વધુ ઘી માતાજી સમક્ષ ચડાવવામાં આવે છે, અને ભાગ્યે જ કોઈ રવિવાર કે, મંગળવાર એવો ગયો હશે કે, અહીં એક પણ બાધા ન થઈ હોય. ગર્ભવતી સ્ત્રીઓ માટે અનોખી માન્યતા આ વાવ મુનઈ ગામના ચોરા પાસે જ આવેલી છે. માન્યતા એવી છે કે, આ ગામમાંથી કોઈપણ સ્ત્રી ભલે પછી તે અજાણી સ્ત્રી હોય પરંતુ અહીંથી પસાર થયા બાદ એ સ્ત્રીએ પોતાના સંતાનની જ્યારે પણ બાબરી કરવાની હોય, ત્યારે એ બાબરી અહીં જ કરવા આવવું પડે છે. માતાજી સંતાનની બાધા કરવા માટે અહી ખેંચી લાવતા હોય તેવું પણ માનવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં વળાંક વાળી એકમાત્ર વાવ અહી આવી છે. આપણે અત્યાર સુધી દરેક વાવ સીધી સીધી જ જોઈ છે, જેમાં કોઈ વળાંક હોતો નથી. પરંતુ આ વાવ વળાંકવાળી બનેલી છે, ત્યારે દૂર દૂરથી લોકો પોતાના સંતાનની બાબરી કરાવવા મુનઈ ખાતે આવે છે, જ્યાં શીતળા માઁ અને બ્રહ્માણી માતાજીની કૃપા સદાય ભક્તો પર વરસતી રહે છે.

Next Story