વડોદરા મહાનગર સેવાસદનના કમિશનર પદે પૂર્વ જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે આજથી ચાર્જ સંભાળ્યો છે. તો સાથે જ ઇન્ચાર્જ જિલ્લા કલેકટર તરીકે જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીએ પણ પોતાનો ચાર્જ સંભાળ્યો છે, ત્યારે પદભાર સંભાળનાર મ્યુનિસિપલ કમિશનર અને ઇન્ચાર્જ જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, બધાને સાથે રાખી વડોદરા શહેર તથા જિલ્લામાં વિકાસ યાત્રાને આગળ ધપાવીશું.
કોરોનાની મહામારીમાં જિલ્લા કલેકટર તરીકે શાલિની અગ્રવાલે સફળ કામગીરી બજાવી હતી. પરિણામ સ્વરૂપે સરકાર દ્વારા તેઓને મ્યુનિસિપલ કમિશનર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે 38 માસથી વડોદરા જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી રહેલા કિરણ ઝવેરીને સરકાર દ્વારા વધારાનો ઇન્ચાર્જ જિલ્લા કલેકટર તરીકે ચાર્જ સોપવામાં આવ્યો છે. શાલિની અગ્રવાલે મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ ચૂંટાયેલા હોદ્દેદારો દ્વારા તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તેઓએ ચાર્જ સંભાળ્યા બાદ સવારથી કોર્પોરેશનની કચેરીમાં શુભેચ્છકોનો ધસારો રહ્યો હતો. વડોદરા જિલ્લા કલેકટર તરીકે સફળ કામગીરી બજાવનાર શાલિની અગ્રવાલ વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કમિશનર તરીકેની જવાબદારી સંભાળવા માટે આજથી સજ્જ થઇ ગયા છે. જોકે, આવનારા દિવસોમાં વર્તમાન ચોમાસાની ઋતુ તેમજ સંભવતઃ કોરોનાની આવી રહેલી ત્રીજી લહેર તેઓ માટે પડકારરૂપ સાબિત થશે. વડોદરા મહાનગર સેવા સદનના મ્યુનિસિપલ કમિશનર તરીકે શાલિની અગ્રવાલે ચાર્જ સંભાળ્યા બાદ કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેઓ વડોદરા શહેરની ભૌગોલિક પરિસ્થિતિની માહિતી મેળવી હતી. ચોમાસાની ઋતુનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે વડોદરાવાસીઓને ચોમાસાની ઋતુમાં ઓછામાં ઓછી તકલીફો ભોગવવી પડે તે માટે અધિકારીઓને જરૂરી સૂચનો પણ બેઠક દરમ્યાન કરવામાં આવ્યા હતા.