Connect Gujarat
ગુજરાત

વડોદરા : છેલ્લા 1 સપ્તાહમાં રખડતા ઢોરોની અડફેટના બનાવમાં વધારો, પાલિકા પ્રત્યે શહેરીજનોમાં "રોષ"

રખડતા ઢોરના કારણે અનેક નાગરિકોને ગંભીર ઇજા છેલ્લા 1 સપ્તાહમાં ત્રણથી વધુ ઘટના પ્રકાશમાં આવી રખડતા ઢોરોને નિયંત્રણમાં લેવાય તેવી ઉગ્ર માંગ ઉઠી

X

વડોદરા શહેરમાં રખડતા ઢોરના કારણે અનેક નાગરિકોને ગંભીર ઇજાઓ પહોચી છે, જ્યારે કેટલીક ઘટનાઓની તો નોંધ પણ લેવાય નથી. શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં રખડતા ઢોરોના કારણે રાહદારીઓને ગંભીર ઇજા પહોચવાની ત્રણથી વધુ ઘટના પ્રકાશમાં આવી છે, ત્યારે હવે પાલિકા દ્વારા રખડતા ઢોરોને નિયંત્રણમાં લેવાય તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર ગત તા. 12 મેના રોજ એક આશાસ્પદ વિદ્યાર્થીને ગાયે અડફેટે લેતા તેની આંખ ફૂટી ગઈ હતી. હજી તો આ ઘટના લોકોના માનસ પરથી ઉતરી નથી, ત્યાં તો રોજબરોજ નવા કિસ્સાઓ સપાટી પર આવી રહ્યા છે. સયાજીગંજ વિસ્તારમાં રહેતા ટેટુ આર્ટિસ્ટ યુવક હિરેન પરમારને રાત્રીના સમયે ગાયે અડફેટે લેતા આંખની ઉપરના ભાગે, દાઢીએ, નાક અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ યુવકના લગ્ન હોવાથી તે પ્રિવેડિંગ શૂટ માટે બ્લેઝર લઈને પોતાના ઘર તરફ આવતો હતો, તે દરમ્યાન જેતલપુર રોડ પર ગાય એકાએક આવી જતાં બાઈક પરથી ફંગોળાઈને તે રસ્તા પર પડ્યો હતો. જોકે, ઇજાગ્રત યુવક હાલ હોસ્પિટલમાંથી સારવાર લઈને ઘરે પહોંચ્યો છે. પરંતુ સામા લગ્ને રખડતા ઢોરના કારણે થયેલી ઈજાઓ સાથે યુવકે પાલીકાના સત્તાધીશો પાસે શહેરને ઢોરમુક્ત કરવાની માંગણી કરી છે.

આ તરફ વડોદરામાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત રહેતા વધુ એક યુવક રખડતા ઢોરોનો શિકાર બન્યો હતો. શહેરના સમા સાવલી રોડ પર ગાયોએ એક્ટિવા સવાર યુવક પાર્થ પ્રજાપતિને અડફેટે લીધો હતો. ગાયે યુવકને સીંગડે ચડાવતા યુવકને હાથ-પગ અને ખભાના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી, ત્યારે ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, અગાઉ પણ રખડતા ઢોરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે, ત્યારે પાર્થના પરિવારે આ મામલે પાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં આવે તેવી માંગ કરી હતી.

તો બીજી તરફ, નિઝમપુરા વિસ્તારમાં આવેલ સૂર્યોદયનગરમાં રહેતો પરિવાર પોતાના ગામ તરફથી શહેરમાં પ્રવેશી રહ્યો હતો, ત્યારે કોયલી ગામ પાસે રખડતી ગાયે અચાનક બાઈકને અડફેટે લેતા પરિવારના સભ્યો રોડ પર ફંગોળાઈ પડ્યા હતા. આ ઘટનામાં બાઈક પર સવાર 9 વર્ષીય બાળકીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, આવી રોજિંદી ઘટનાઓ સામે બાળકીના પરિવારજનોએ તંત્ર વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો.

Next Story