Connect Gujarat
ગુજરાત

વડોદરા : આકરો તાપ પડતાં શહેરના માર્ગ પરનો ડામર પીગળ્યો, વાહનદારીઓ સહિત રાહદારીઓને હાલાકી

X

શહેરના માર્ગો પર ડામર પીગળવાનો સિલસિલો યથાવત

વાહનદારીઓ સહિત રાહદારીઓને હાલાકી વેઠવાનો વારો

રેતી નાખવાની કામગીરી અંગે પાલિકાની લોકોને બાહેંધરી

સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં સ્માર્ટ પાલિકા તંત્રની અણ આવડતના કારણે શહેરના માર્ગો પર ડામર પીગળવાનો સિલસિલો યથાવત રહેતા વાહનદારીઓ સહિત રાહદારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાના ભાગરૂપે શહેરના અનેક વિસ્તારમાં રોડ-રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું હતું. જેમાં ઘણાં બધાં રોડ તૈયાર કરવામાં આવ્યા હતા, તો કેટલાક રોડ પર રોડ પહોળા કરી રોડની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ હાલ ઉનાળાની ઋતુમાં આકરી ગરમી પડી રહી છે, જેના કારણે આવા રોડ પરના ડામર પીગળી રહ્યાં હોવાની ઘટનાઓ સામે આવી છે. થોડા દિવસો પહેલા હાથીખાના વિસ્તારમાં રોડ પરનો ડામર પીગળતાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો, ત્યારે હવે મનિષા ચાર રસ્તાથી ભાયલી તરફ જવાના માર્ગ પરનો ડામર પીગળી રહ્યો છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. રાહદારીઓના પગરખાં ડામર પીગળવાને કારણે રોડ પર ચોટી જાય છે. બીજી તરફ, દ્વિચક્રી વાહનચાલકોને પણ વાનહ સ્લીપ મારી જવાનો ડર લાગી રહ્યો છે.

જોકે, કોન્ટ્રાક્ટર દ્વારા રોડ પર રેતી પાથરવામાં આવી હતી. પરંતુ હાલમાં 39 ડિગ્રી ગરમીના કારણે રોડ પરનો ડામર પીગળી રહ્યો છે. જે અંગે વાહનચાલકો દ્વારા પાલિકા તંત્ર તથા કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલી કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નર હસમુખ પ્રજાપતિને આ બાબતે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, એક મહિના અગાઉ શહેરના વિવિધ રોડ પર કાર્પેટિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ અસહ્ય ગરમીના કારણે રોડ પરનો ડામર પીગળી રહ્યો છે, ત્યારે અધિકારીઓને જરૂરી સૂચના આપી દેવામાં આવી છે, અને સત્વરે જ જે તે વિસ્તારમાં રેતી નાખવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેવી બાહેંધરી આપવામાં આવી હતી.

Next Story