વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ડુંગરા ગામ ખાતે નગરપાલિકાની પાણીની ટાંકીમાં એક બાળક પડી જતા દોડધામ મચી જવા પામી હતી. બનાવના પગલે ફાયર બ્રિગેડ દ્વારા બાળકને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હોસ્પિટલમાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ડુંગરા ગામ નજીક આવેલ આઝાદ નગર વિસ્તારમાં વાપી નગરપાલિકાની મોટી પાણીની ટાંકી આવી છે. જે ટાંકીનું ઢાંકણ ખુલ્લું રહી ગયું હતું, જ્યાં બાળકો રમી રહ્યા હતા. તે દરમિયાન આ વિસ્તારનું એક બાળક ખુલ્લી ઢાંકણવાળી ટાંકીમાં પડી ગયું હતું. સમગ્ર મામલે સ્થાનિકોને જાણ થતા તેઓએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી, અને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. સતત 2 કલાક ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો, જ્યાંથી તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના હજાર તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો, ત્યારે હાલ તો સમગ્ર મામલે પોલીસ દ્વારા અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નગરપાલિકાની બેદરકારીને લઈને માસુમ બાળકનો ભોગ લેવાયો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો.