લોકસભા ચૂંટણીનો પ્રચાર એના ચરમ પર પહોંચી રહ્યો છે, ત્યારે વલસાડ લોકસભા બેઠક અંતર્ગત કોંગ્રેસ દિગ્ગજ આદિવાસી નેતા અનંત પટેલના ગઢમાં ભાજપે 15 કિમી લાંબી બાઈક રેલી યોજી આદિવાસીઓને વિકાસ યાત્રામાં જોડવા મથામણ કરી હતી.
વલસાડ લોકસભા બેઠક ઉપર બન્ને મુખ્ય ઉમેદવારો નવસારીના વાંસદાના છે, ત્યારે વલસાડ લોકસભામાં ચૂંટણીનો જંગ જામી રહ્યો છે. જોકે, આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન પણ હોવાથી, વાંસદા ભાજપ દ્વારા રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ અને ભાજપના ઉમેદવાર ધવલ પટેલની ઉપસ્થિતિમાં બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપનો સ્થાપના દિન હોય, પક્ષના આગેવાનોને શ્રદ્ધાંજલી આપ્યા બાદ વાંસદાથી ઝરી સુધી 15 કિમી લાંબી બાઈક રેલી કાઢવામાં આવી હતી. વાંસદા વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે, અને હાલ આદિવાસીઓમાં આંદોલનકારી નેતા તરીકે ઉભરી આવેલા ધારાસભ્ય અનંત પટેલનો મજબૂત કિલ્લો બન્યો છે, ત્યારે ભાજપે વાંસદામાં મતદારોને વિકાસ યાત્રામાં જોડવા 1 હજારથી વધુ બાઈક સાથે રેલી કાઢી હતી. આ પ્રસંગે નાણાં મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે, ગત ટર્મમાં ભાજપ 1 લાખથી વધુ લીડથી 26 બેઠકો જીતી હતી, અને આ વખતે વિધાનસભામાં 156 બેઠકો ભાજપની છે, એટલે કોઈનો ગઢ નથી, આ ભાજપનો જ ગઢ છે.