ખાડી દેશના યુદ્ધે વધારી ચિંતા
ઇઝરાયેલ-ઇરાન જંગથી પરિવારો ચિંતાગ્રસ્ત
મરોલીના યુવાનો યુદ્ધગ્રસ્ત દેશમાં ફસાયા
પોતાના સ્વજનોને માટે પરિવારો ચિંતાગ્રસ્ત
યુવાનો સુરક્ષિત વતન પાછા આવે તેવી માંગ
વલસાડ જિલ્લાના ઉમરગામના દરિયા કિનારે આવેલા મરોલી ગામના પરિવારોના યુવાનો ખાડી યુદ્ધમાં ફસાતા ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે.અને યુદ્ધગ્રસ્ત દેશમાંથી યુવાનોને સુરક્ષિત રીતે પરત લાવવા માટેની માંગ ઉઠવા પામી છે.
વલસાડ જિલ્લાના દરિયા કિનારે આવેલા ઉમરગામના મરોલી ગામમાં મોટેભાગે માછીમારી સમાજના પરિવારો વસે છે.ગામના લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી છે.આથી ગામના લગભગ તમામ પરિવારમાંથી કોઈને કોઈ વ્યક્તિ માછીમારી કરે છે.રોજીરોટી માટે ગામના સેંકડો યુવાનો નોકરી વ્યવસાય માટે વિદેશમાં ગયા છે. જો કે અમેરિકા-ઇઝરાઈલ અને ઈરાન વચ્ચે થઈ રહેલા યુદ્ધને કારણે સમગ્ર દુનિયામાં તેની અસર થઈ રહી છે. આ દેશોની સાથે ખાડીના દેશોમાં પણ યુદ્ધ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આથી તેની સીધી અસર ભારતમાં પણ પડી રહી છે.
જોકે મરોલીના યુવાનો અત્યારે આવી પરિસ્થિતિમાં યુદ્ધગ્રસ્ત દેશોમાં હોવાથી અહીં વતન તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે. જે લોકો ઈરાન સિવાય અન્ય ખાડીના દેશોમાં ગયા છે. તેમનો સંપર્ક પરિવારજનો સાથે થઈ રહ્યો છે. પરંતુ યુદ્ધ શરૂ થઈ ગયા બાદ ઈરાનમાં ગયેલા લોકોનો સંપર્ક તેમના પરિવારજનો સાથે નથી થઈ રહ્યો,તેથી મરોલી ગામમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.