વલસાડ જિલ્લાની આબોહવા આંબા પાક માટે ખૂબ જ અનુકૂળ હોવાથી કેરીના પાક માટે વલસાડ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અને આંતરરાષ્ટ્રીય મીલેટ્સ વર્ષ અંતર્ગત કેરી પાકનું મહત્વ વધારવા તેમજ સ્થાનિક ખેડૂતોને તેમની કેરીના સારા ભાવ મળી રહે તે હેતુથી તા. ૨૭ અને ૨૮ મેના રોજ તીથલ બીચ પર મેંગો ફેસ્ટીવલ-૨૦૨૩નું પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે.
આ સંદર્ભે તા. ૨૬ મેના રોજ વલસાડ જિલ્લા ખેતીવાડી કચેરી, બાગાયત કચેરી અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પત્રકાર પરિષદમાં જિલ્લા બાગાયત કચેરીના નાયબ નિયામક નિકુંજ પટેલે જણાવ્યું હતું કે, સ્થાનિક લોકોને ખેડૂતોના ખેતરેથી સીધી કેરી મળી રહે તે હેતુથી મેંગો ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખેડૂતો તેમની કેરી સીધી ખેતરથી લાવી ગ્રાહકોને સારી ગુણવત્તાની તેમજ વિવિધ જાતોની કેરી એક જ સ્થળ પર મળી રહે તે માટે ૫૦થી વધુ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટોલમાં કેરી પ્રોસેસિંગને લગતી કંપનીઓ, નિકાસકારો, ફાર્મર પ્રોડ્યુસર કંપનીઓ, બેંક તેમજ સખી મંડળને પણ સ્ટોલ આપવામાં આવ્યા છે. કંપનીઓ અને ખેડૂતોની સીધી મુલાકાત થાય અને તેમની કેરી કંપનીઓ સીધી જ ખરીદી કરે તે હેતુથી ખેડૂત અને કંપનીઓ વચ્ચે એમઓયુ થાય તેના પણ પ્રયત્નો મેંગો ફેસ્ટિવલ થકી કરવાનો ઉદેશ છે. વલસાડની કેરી વિદેશમાં પણ વખણાઈ રહી છે. વલસાડ જિલ્લામાં ૩૫૦ ખેડૂતોનું APEDA હેઠળ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જેઓ એક અંદાજ મુજબ ૧૦૦ ટન કેરીની નિકાસ કરી વિદેશી હૂંડિયામણ મેળવી રહ્યા છે.