Connect Gujarat
ગુજરાત

વલસાડ : નગરપાલિકા કચેરીના ગેટની બહાર ટેમ્પામાં કણસતો રહયો આખલો, ગૌસેવકો આવ્યાં મદદે

પાલિકા કચેરીની બહાર ટેમ્પામાં છોડી દેવાયો આખલો, ચોમાસુ શરૂ થતાની સાથે રખડતા પશુઓનો અડીંગો.

X

વલસાડ નગરપાલિકાની કચેરીના ગેટની સામે જ ઇજાગ્રસ્ત આખલાને તરછોડી કર્મચારીઓ પલાયન થઇ જતાં આખલો દર્દથી કણસતો રહયો હતો. બનાવ અંગે ગૌરક્ષકોને જાણ થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યાં હતાં અને આખલાનો જીવ બચાવવાની કવાયત હાથ ધરી હતી.

ચોમાસાની શરૂઆત થતાંની સાથે રાજયભરમાં રસ્તાઓ પર રખડતા પશુઓનો અડીંગો જોવા મળી રહયો છે. પશુપાલકો તેમના પશુઓને ઘાસચારાની શોધમાં રખડતાં મુકી દઇ પોતાની જવાબદારીમાંથી છટકી રહયાં છે. રખડતાં પશુઓ ઇજાગ્રસ્ત હોવા છતાં પશુપાલકો તેની સારવાર માટે તૈયાર થતાં નથી. આવા સંજોગોમાં ગૌસેવકો અથવા સુધરાઇના કર્મચારીઓ પશુઓની સારવાર કરતાં હોય છે પણ વલસાડમાં પાલિકા કર્મચારીઓ પર બેદરકારીના આરોપો લાગ્યાં છે.

વલસાડ નગરપાલિકા કચેરીના ગેટની સામે ટેમ્પામાં એક આખલાને દર્દથી કણસતો છોડી કર્મચારીઓ ચાલ્યાં ગયાં હતાં. આખલાના વલસાડના અબ્રામા નજીક અકસ્માત નડતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. વલસાડ નગરપાલિકા કચેરીની બહાર ટેમ્પામાં આખલો દયનીય હાલતમાં પડયો હોવાની જાણ ગૌસેવકોને કરવામાં આવી હતી. અગ્નિવીર ગૌસેવા દળના કાર્યકરો સ્થળ પર દોડી ગયાં હતાં અને આખલાનો જીવ બચાવવાની કવાયત હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત આખલાને સારવાર બાદ પાંજરાપોળ ખાતે ખસેડવા માટે પાલિકા સત્તાધીશોને જાણ કરવામાં આવી છે.

Next Story