ચોરખાનાની આડમાં થતી દારૂની હેરાફેરીનો થયો પર્દાફાશ
કલસર ચેકપોસ્ટ પર તમામ વાહનોનું થતું સઘન ચેકિંગ
પારડી પોલીસે રૂ. 11.83 લાખના દારૂનો જથ્થો જપ્ત કર્યો
દારૂ અને ડમ્પર મળી કુલ રૂ. 21.83 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે ફરાર ડમ્પર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા
વલસાડ જિલ્લાની પારડી પોલીસે ડમ્પરમાં ચોરખાનાની આડમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. જેમાં પોલીસે રૂ. 11.83 લાખનો દારૂ અને ડમ્પર મળી કુલ રૂ. 21.83 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આમ તો, દારૂની હેરાફેરી માટે પોલીસથી બચવા ખેપિયાઓ કાર, બાઈક કે, પછી નાના ટેમ્પામાં ચોરખાના બનાવતા થયા છે, જ્યારે મોટા ટ્રક, ડમ્પર, કન્ટેનર જેવા વાહનોમાં ખેપિયાઓ કોઈને કોઈ સામાનની આડમાં દારૂની હેરાફેરી કરતા હોય છે, ત્યારે આ વખતે વલસાડ જિલ્લાની પારડી પોલીસે ચોરખાના બનાવી હેરાફેરી કરતુ એક ડમ્પર ઝડપી પાડ્યું છે.
આ ડમ્પર એક સમયે ખાલી જણાયું હતું. પરંતુ પારડી પોલીસે ઝીણવટભરી તલાશી લેતા તેમાંથી રૂ. 11,83 લાખનો દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ અને ડમ્પર મળી કુલ રૂ. 21, 83 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કલસર ચેકપોસ્ટ પર દમણથી આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ડમ્પર નં. GJ-05-AV-0222 આવતા પોલીસે અટકાવ્યું હતું, અને તલાશી કરે તે પહેલા ડમ્પર ચાલક ડમ્પર મુકી ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
ડમ્પરની તલાશી લેતા ડમ્પર એક નજરે ખાલી જણાઈ આવ્યું હતું. પરંતુ ખેપિયો ફરાર થયો હતો જેથી આ બાબતે પારડી પીઆઈને જાણ કરતા તેઓ તાત્કાલિક સ્ટાફ સાથે ચેકપોસ્ટ પર પહોંચ્યા હતા પીઆઈને ડ્રાઈવર ભાગ્યો હોવાથી શંકા ગઈ હતી.
એક નજરે ખાલી જણાયેલ ડમ્પરની ફરી ઝીણવટભરી તલાશી લેતા જેમાં પાછળના ભાગે ચોરખાના મળ્યા હતા. જેમાં નીચેના ભાગે લોખંડની પ્લેટ મુકી બેથી અઢી ફૂટનું ખાનું બનાવ્યું હતું. જે પ્લેટ ખસેડીને જોતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સમગ્ર મામલે પોલીસે દારૂ સહિત ડમ્પર જપ્ત કરી ચાલકને વોન્ટેડ જાહેર કર્યો છે.