શહેર તથા જીલ્લામાં RTO વિભાગ દ્વારા કડક ચેકિંગ હાથ ધરાયું
ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે RTO દ્વારા લાલ આંખ
હાઇ વૉલ્ટેજ LED લાઇટ લગાવનાર વાહનચાલકો સામે કાર્યવાહી
જિલ્લામાં 574 જેટલા વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો
અભિયાન આગામી દિવસોમાં પણ યથાવત રહેશે : RTO અધિકારી
રાત્રીના સમયે રસ્તા પર દોડતા વાહનોમાં ચમકતી ભારે વોલ્ટેજવાળી LED લાઇટ હવે અકસ્માતોને આમંત્રણ આપી રહી છે. સામે આવતા વાહનચાલકોની આંખે સીધો ઝબકારો મારતી આ પ્રતિબંધિત LED લાઇટ પર સરકાર દ્વારા કડક પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. છતાં પણ નિયમોનો ભંગ કરી બેફામ રીતે LED લાઇટ લગાવી ફરતા વાહનચાલકો સામે વલસાડ જિલ્લા RTOએ હવે કડક વલણ અપનાવ્યું છે. જિલ્લામાં ઠેર ઠેર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
LED લાઇટ ચાલુ રાખીને વાહન ચલાવતા ચાલકોને રસ્તા પર જ રોકી તેમની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. RTOની ખાસ ટીમ દ્વારા LED લાઇટ વિરોધી અભિયાનને શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ ટ્રાફિક નિયમોની અવગણના કરનારાઓ સામે દંડની છડી ઉગામી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં 574 વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે.
RTO અધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ માટે હવે કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં, અને આ પ્રકારનું અભિયાન આગામી દિવસોમાં પણ વધુ કડક રીતે યથાવત રહેશે.