ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની પરીક્ષાની આતૂરતાથી રાહ જોતા અને તૈયારી કરતા ઉમેદવારો માટે માઠા સામાચાર સામે આવ્યા છે. આગામી 2, 9 અને 16મી એપ્રિલે GPSCની યોજાનારી વિવિધ પરીક્ષા હાલ મૂલતવી રાખવામાં આવી છે. 9 એપ્રિલે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની યોજનાર પરીક્ષાને કારણે GPSCની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હોવાનું હાલ સામે આવ્યું છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી હતી. 9 એપ્રિલના રોજ પરીક્ષા યોજાશે. આ અંગે ગાંધીનગર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
જેમાં જણાવવામાં આવ્યું છે કે, 29 જાન્યુઆરી 2023ના રોજ જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા મોકુફ રાખવામાં આવી હતી. જે હવે 09 એપ્રિલ 2023ના રોજ સવારે 11થી 12 કલાક દરમિયાન મંડળ દ્વારા યોજવામાં આવશે. આજે GPSCએ જાહેરાત કરી છે કે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની એપ્રિલ 2023ના રોજ વહીવટ/હિસાબની જુનિય૨ ક્લાર્કની પરીક્ષાનું આયોજન ક૨વામાં આવેલું છે. ત્યારે GPSC દ્વારા તા. 2, 9, 16 એપ્રિલ 2023ના રોજ યોજાના૨ (જા.ક્ર. 20/2022-23) ગુજરાત વહીવટી સેવા, વર્ગ- 1અને ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1/2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2ની મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવામાં આવે છે, જેની ઉમેદવારોએ નોંધ લેવા જાણ કરી છે. મુખ્ય પરીક્ષાની નવી તારીખ નિયત થયે આયોગની વેબસાઇટ પર જાહે૨ ક૨વામાં આવશે. ઉમેદવારોને આયોગની વેબસાઈટ જોતા રહેવા વિનંતી છે.