વરસાદે વિવિધ જિલ્લાઓને પાણી પાણી કરી દીધા
ગુજરાતમાં અનેક ખેતરોમાં વરસાદી પાણી ભરાયા
વરસાદના પગલે શાકભાજીની આવકમાં પણ ઘટાડો
ઘટાડો થતા જ શાકભાજીના ભાવમાં અતિશય વધારો
શાકભાજીના ભાવ વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
ગુજરાતમાં વરસાદે વિવિધ જિલ્લાઓને પાણી પાણી કરી દીધા છે. તો બીજી તરફ, શાકભાજીની આવકમાં પણ ઘટાડો થતા ભાવમાં અતિશય વધારો થવા પામ્યો છે. સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત,મધ્ય ગુજરાતમાં મુશળધાર વરસ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખેતરોમાં ય વરસાદી પાણી ભરાયા છે, પરિણામે અમદાવાદમાં શાકભાજીના જથ્થાની આવક ઘટી છે. વેપારીઓનું કહેવું છે કે, શાકભાજીની માંગ સામે આવકમાં ખાસ્સો એવો ઘટાડો થયો છે.
માત્ર સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત જ નહીં, અન્ય રાજ્યોમાંથી આવતી શાકભાજીની આવક પણ ઘટી છે. ગૃહિણીઓનું તો બજેટ જ ખોરવાયું છે. કારણ કે, રૂ. 20થી 25 કિલોએ વેચાતી ડુંગળીનો ભાવ હાલ 90 રૂપિયાએ પહોંચ્યો છે. જ્યારે બટાકાનો ભાવ પણ કિલોના 50 રૂપિયા બોલાઈ રહ્યા છે. જેથી કરીને હાલ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. શાકભાજીના ભાવએ સેન્ચુરી વટાવતાં આમ જનતાના ખિસ્સા પર આર્થિક માર પડ્યો છે.