ગુજરાતમાંથી આગામી દિવસોમાં માછલીઓની નિકાસ બંધ થઇ જાય તેવા એંધાણ વર્તાઇ રહયાં છે. ભારત અને ચીન મળી કુલ 435 કરોડ રૂપિયાથી વધુની રકમ અટવાય જતાં માછલીઓની નિકાસ કરતી પેઢીઓને તાળા મારી દેવા પડે તેવા સંજોગો ઉભા થયાં છે.
છેલ્લા 2 વર્ષથી વાવાઝોડા અને ત્યારબાદ કોરોના મહામારી જેવી કુદરતી આફતોના કારણે ગુજરાતનો મત્સ્ય ઉદ્યોગ મરણપથારીએ આવી ગયો છે. સી- ફુડ એક્સપોર્ટ એસોસિએશનના રાષ્ટ્રીય પ્રમુખ જગદીશ ફોફંડીના જણાવ્યા મુજબ સી- ફુડ એક્સપોર્ટ માં છેલ્લા એક વર્ષમાં રાષ્ટ્રીય સ્તરે 11 ટકા જ્યારે ગુજરાત માં 20 ટકા ઘટાડો નોંધાયો છે.
ગુજરાતમાંથી સી-ફુડની નિકાસથી 4,700 કરોડ રૂપિયાનું હુંડીયામણ આવે છે જે ઘટીને 3,500 કરોડ રૂપિયા પર આવી ગયું છે. સૌથી વધારે નિકાસ ચીનમાં થાય છે પણ ચીનમાં ગુજરાતી વેપારીઓના 35 થી 40 કરોડ રૂપિયા અટવાય ગયાં છે.
ચીન બાદ હવે વાત કરીએ ભારતની.. ભારત સરકાર ની MEIS અને ROADTEP યોજના તળે અંદાજે 250 થી 350 કરોડ રૂપિયા અટવાયેલાં છે. આવા અનેક પરિબળોએ મત્સ્ય ઉદ્યોગની કમર તોડી નાંખી છે. તાઉતે વાવાઝોડાએ માછીમારોની બોટોને ભારે નુકશાન કર્યું છે. હવે આગામી દોઢ મહિનામાં માછીમારીની નવી સીઝન ચાલુ થવા જઇ રહી છે. જો ત્યાં સુધીમાં સ્થિતિમાં સુધારો નહિ આવે તો માછલીઓની નિકાસ કરતી પેઢીઓને તાળા વાગી જશે અને પેઢીઓને તાળા વાગવાથી પાંચ લાખ લોકોની રોજગારી છીનવાઇ જવાની સંભાવના છે.
ભારત સરકારના આંકડા મુજબ દોઢ કરોડ લોકો મત્સ્યોદ્યોગ પર નિર્ભર છે. આર્થિક રીતે ભાંગી પડેલ મત્સ્યોદ્યોગને ફરી બેઠો કરવા સી-ફુડ એક્સપોર્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાના નું પ્રતિનિધિ મંડળ રાજ્યના મુખ્યમંત્રી ને રૂબરૂ મળ્યું હતું અને તેમના નાણા છુટા કરવા માટે પગલાં ભરવાની માંગ કરી હતી.