Connect Gujarat
ગુજરાત

ત્રિપાંખિયા જંગ સાથે રાજ્યમાં વધુ રસપ્રદ બન્યો ચૂંટણીનો મુકાબલો, જુઓ કનેક્ટ ગુજરાતનું એનાલિસિસ...

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે ભાજપ, કોંગ્રેસ અને આપ ચૂંટણી જંગના મેદાને છે. રાજ્યમાં 27 વર્ષથી ભાજપનું સાસન છે

X

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે ભાજપ, કોંગ્રેસ અને આપ ચૂંટણી જંગના મેદાને છે. રાજ્યમાં 27 વર્ષથી ભાજપનું સાસન છે, પણ આ વખતે કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ ભાજપને પડકાર આપી રહી છે. આપના આવવાથી ભાજપની ચિંતા પણ વધી છે, ત્યારે રાજ્યમાં ચૂંટણીનો મુકાબલો ઘણો રસપ્રદ બન્યો છે, જુઓ અમદાવાદથી કનેક્ટ ગુજરાતના સંવાદદાતા ભૌમિક વ્યાસનો વિશેષ અહેવાલ...

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ચૂંટણીનો મુકાબલો ઘણો રસપ્રદ બન્યો છે. આમ જોવા જઈએ તો, આમ આદમી પાર્ટી રાજકીય પક્ષ છે. જેની સ્થાપના 26 નવેમ્બર 2012ના રોજ થઇ હતી. પક્ષની સ્થાપના એક આંદોલનથી થઈ હતી. ત્યારબાદ આ પક્ષ અસ્તિત્વમાં આવ્યો પક્ષની સ્થાપના અરવિંદ કેજરીવાલ અને અન્ના હઝારે વચ્ચેના મતભેદ સાથે થઇ હતી. ભ્રષ્ટાચાર સામેની લડાઇને રાજનૈતિક રૂપ આપવું કે, નહીં એ બાબતે બન્નેના મત જુદા હતા. અગાઉ બન્ને 2011થી જન લોકપાલ બિલની માંગણી કરી રહ્યા હતા. હજારેનું માનવું હતું કે, જન લોકપાલ આંદોલનને રાજકારણથી દૂર રહેવું જોઇએ, જ્યારે કેજરીવાલ આ આંદોલનની નિષ્ફળતા પછી રાજકારણમાં પ્રવેશ જરુરી સમજતા હતા. 2013માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને 70માંથી 28 બેઠકો મળતાં બીજા સૌથી મોટા પક્ષ તરીકે આપ ઉભરી આવ્યું હતું. હાલમાં આપ પાર્ટી દિલ્હી અને પંજાબમાં સત્તા સાથે છે, અને હવે તેનું ટાર્ગેટ ગુજરાત છે. ગુજરાતમાં આપની શરૂઆત થતાં અનેક નેતાઓ અને સામાજિક કાર્યકરોએ પક્ષમાં જોડાયા બાદ પક્ષને અલવિદા કહી દીધું, ત્યારે વર્તમાનમાં આંદોલનકારી ગોપાલ ઇટાલિયા અને પત્રકારમાંથી નેતા બનેલા ઇશુદાન ગઢવી ગુજરાતમાં આપની કમાન સંભાળી રહ્યા છે. ગુજરાત કબજે કરવા અરવિંદ કેજરીવાલ પણ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

તો બીજી તરફ, ગુજરાતમાં આપને દૂર રાખવા ભાજપે પણ કમર કસી છે. ખાસ કરીને પીએમ મોદી અને ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ સતત રેલી સભા કરી રહ્યા છે. માત્ર શહેરી વિસ્તાર નહીં પણ ગ્રામ્ય વિસ્તાર અને આદિવાસી વિસ્તારોમાં પણ પીએમ મોદી પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. સતત કામની વ્યસ્તતા વચ્ચે PM મોદી એક દિવસમાં 4થી 5 રેલીઓ અને જનસભા કરી રહ્યા છે. દિલ્હી અને પંજાબ બાદ આપ હવે ગુજરાતમાં પગપેસારો કરવા માંગે છે. તેથી ભાજપે પોતાનું પૂરું જોર જમાવ્યું છે. PM મોદી અને અમિત શાહના રોડ-શો અને રેલીથી ભાજપના કાર્યકરોમાં જુસ્સો જોવા મળી રહ્યો છે. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા માટે પણ આ ચૂંટણી પ્રતિષ્ઠાની છે. જેપી નડ્ડાએ જણાવ્યુ હતું કે, અમે ગુજરાતમાંથી આપના સુપડા સાફ કરી નાખીશું. ભાજપના દરેક કાર્યકર અને નેતા પણ આપ ગુજરાતમાં ન આવે તે માટે તનતોડ મહેનત કરી રહ્યા છે.

જોકે, હવે આ બધાની વચ્ચે છેલ્લા 27 વર્ષથી દૂર કોંગ્રેસ પણ સત્તામાં આવવા હવાતિયાં મારી રહી છે. કોંગ્રેસ કહે છે કે, ગુજરાતે ક્યારેય ત્રીજો પક્ષ સ્વીકાર્યો નથી. પણ આ વખતે પરિવર્તન થશે. એક બાજુ ભાજપ કાર્પેટ બૉંબબેટિંગ કરી રહી છે. તો બીજી તરફ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુજરાતમાં પ્રચારથી દૂર રહ્યા છે. માત્ર 3 સભાઓ કરી તેઓ ભારત જોડો યાત્રામાં જોડાય ગયા છે. તેથી પ્રદેશના નેતાઓ પર ચૂંટણીમાં પ્રચાર કરવાની જિમ્મેદારી આવી ગઈ છે. એક તરફ ભાજપના ઉમેદવારોમાં કાર્યકરોની ફોજ હોય છે, ત્યાં કોંગ્રેસમાં માત્ર ગણ્યા ગાંઠિયા કાર્યકરો દેખાય છે. આમ ગુજરાતની ચૂંટણી કયો મોડ લેશે તે કહેવું અસ્થાને છે. પણ એક વાત ચોક્કસ છે કે, ભાજપ કોઈપણ ભોગે ગુજરાતમાં આપનો પેસારો ન થાય તે માટે માઇક્રોપ્લાનિંગ સાથે આગળ વધી રહ્યું છે.

આમ, ગુજરાત રાજ્યમાં ભાજપના 27 વર્ષના શાસન સામે પ્રથમવાર કોઈ મજબૂત પડકાર ઊભો થયો છે. છેલ્લા 27 વર્ષથી વિપક્ષમાં કોંગ્રેસ જનતાના મુદ્દાઓને આક્રમક રીતે ઉઠાવી નથી શકી, ત્યારે આમ આદમી પાર્ટીએ માત્ર ટુંકા ગાળામાં રાજ્યમાં સંગઠન ઊભું કરી ભાજપને પડકાર ફેંક્યો છે. પણ કહેવાય છે કે, દેશની રાજનીતિના ચાણક્ય ગણાતા અમિત શાહ અને જનતાની નાળ પારખનાર PM મોદી છેલ્લી ઘડીએ બાજી ફેરવી નાખે તો નવાઈ નહીં. પણ એક વાત હકીકત છે કે, આ વખતની ચૂંટણી નવા પરિણામો આપશે તે નક્કી છે.

Next Story