ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિશ્વ યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસની ઉજવણી અંતર્ગત બાળકોને વેદ ઉપચારણથી મ્યુઝિક થેરાપી આપવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિની ઉત્તમ ભેટ એટલે યોગ... તો સાથે જ ભારતીય શાસ્ત્રીય સંગીતનું પણ એટલું જ મહત્વ રહેલું છે. આજે વિશ્વ યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસનો સમન્વય છે. જેને અનુલક્ષી છેલ્લા 25 વર્ષથી મ્યુઝિક થેરાપી આપતા અને મ્યુઝિક થેરાપી થકી દિલ્હીની AIMS હોસ્પીટલમાં કોમા પેશન્ટને મ્યુઝિક થેરાપીથી સાજા કરનાર ડો. સૂચિતા રક્ષિત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વેદ થેરાપીમાં આચાર્ય આશિષ પાંડે, આચાર્ય અજય શુક્લા અને આચાર્ય મયુરકુમાર રાવલે વેદની ઋચાઓનું ઉચ્ચારણ કરી વિદ્યાર્થીઓને આધ્યાત્મિક જ્ઞાન તેમજ એકાગ્રતા કેળવાય તેની સમજ આપી હતી.
ડો. સૂચિતા રક્ષિતએ સિતાર, સારંગી, વાંસળી, તબલા, હાર્મોનિયમ જેવા શાસ્ત્રીય વાજિંત્રો અને મંત્ર ઉચ્ચારણો દ્વારા વિદ્યાર્થીઓને યોગનું મહત્વ સમજાવ્યું હતું. આ થેરાપી થકી મનુષ્યમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. ડો. સૂચિતા રક્ષિતએ આ થેરાપીની મદદથી કોમામાં સરી પડેલ દર્દીઓની પણ સારવાર કરી છે. તેઓ પીએચ.ડી કરી રહેલ વિદ્યાર્થીઓને તાલીમ આપવા સાથે હૈદરાબાદમાં હોલીસ્ટીક કેરમાં પણ વડા તરીકે ફરજ બજાવે છે. ડો. સૂચિતા રક્ષિતએ અત્યારસુધી અનેક મેન્ટલી ડિપ્રેશનમાં ગયેલા કેટલાક લોકોને પણ સાજા કર્યા છે.
આ મ્યુઝિક થેરાપીના કાર્યક્રમમાં બાળકોને મ્યુઝિક થેરાપી અપાયા બાદ તેમના શરીર ઉપર અને તેમના લોહીના પ્રવાહમાં તેમજ ઑક્સીજન લેવલમાં શું બદલાવ આવ્યો, તદુપરાંત તેમની માનસિક પુલકિતતામાં શું ફેર દેખાયો, એની નોંધ લેવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રાગા થેરાપી બાદ બાળકો વધુ પડતાં પુલકિત અને ખુશ નજરે પડ્યા હતા.
રાગા થેરાપી થકી બાળકોના શરીરમાં સાતેય ચક્ર કેવી રીતે ઉજાગર કરવામાં આવે તે પણ વિસ્તાર પૂર્વક સંગીતના માધ્યમથી વિધિવત રીતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ રાગા થેરાપીનો શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને તા. 21, 22 અને 23 જૂન 2024’ દરમ્યાન લાભ મળી રહે તે માટે જય અંબે ઇન્ટરનેશનલ શાળાના મેનેજમેન્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
રાગા થેરાપીના પ્રારંભ પૂર્વે આજરોજ તા. 21 જૂન 2024ના બ્રહ્મમુહૂર્તમાં શાળાના આચાર્ય ડો. મેઘના ટંડેલ સહિત સમગ્ર સ્ટાફ અને ડો. સૂચિતા રક્ષિતની ટીમના તમામ થેરાપીસ્ટ દ્વારા શાળા પટાંગણમાં વિધિ વિધાન સાથે હવન કરવામાં આવ્યું હતું. રાગ થેરાપીના હેતુ સમજાવતા કાર્યક્રમના સંયોજક નરેશ છાબરાએ વિસ્તૃત માહિતી આપી હતી.
જોકે, જય અંબે શાળા પરિવાર માટે ગર્વની વાત એ હતી કે, આ સમગ્ર થેરાપીની ટીમમાં શાળાની ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતી તેજસ્વી વિદ્યાર્થિની ઇશ્વરી શાહ પણ સહભાગી થઈ હતી. વિદ્યાર્થિની ઇશ્વરી શાહે સુંદર સિતાર વાદન સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌકોઈને મંત્રમુગ્ધ કર્યા હતા.