ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ તીર્થ ખાતે ઘટેલી ઘટના બાદ ઇજાગ્રસ્ત મહંતને અંકલેશ્વર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લા કોંગી આગેવાનોએ ઇજાગ્રસ્ત મહંતની મુલાકાત લઈ તેઓના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
રાજ્યસભા સાંસદ અહેમદ પટેલે ગુમાનદેવમાં બનેલી ઘટના અંગે જણાવ્યું હતું કે, આ ખરેખર નિંદનીય ઘટના છે. ઈશ્વર મહંતને જલ્દી તંદુરસ્તી બક્ષે અને ફરી એકવાર તેઓ પોતાના ભક્તોને આશીર્વાદ આપતા થાય તેવી શુભેચ્છાઓ પણ પાઠવું છું. સાથે રાજ્યસભા સાંસદ અહેમદભાઈ પટેલે તાત્કાલિક અસરથી ભરૂચ જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓને મહંતની સુખાકારી જાણવા માટે મુલાકાત લેવાની સૂચના આપી હતી. જેથી તેમની સૂચના બાદ તમામ કોંગી આગેવાનો હોસ્પિટલ ખાતે પહોચી મહંતની રજૂઆતો સાંભળી હતી.
આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યું હતું કે, આ અત્યંત નિંદનીય ઘટના છે. કોઈ પણ મંદિરના મહંત પર હુમલો થાય એ ખરેખર અક્ષમ્ય અપરાધ છે. સ્થાનિક પોલીસ તંત્રથી લઈ સરકાર સુધીના તમામે આ બાબતે ધ્યાન આપવાની જરૂર છે. સાધુ-સંતો અને મહંતોને જ જો સુરક્ષાકવચ ન હોય તો પછી તંત્ર સદંતર નિષ્ફળ ગણાય. ગુમાનદેવ મંદિરના મહંત મનમોહન દાસજીની મુલાકાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી રાજેન્દ્રસિંહ રણા, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલા, અંકલેશ્વર નગરપાલિકાના વિપક્ષી નેતા ભુપેન્દ્ર જાની સહિતના આગેવાનોએ મુલાકાત લઈ તેમની તંદુરસ્તી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.