પ્લાસ્ટિકની પાણીની બોટલનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. પાણીની બોટલમાં થોડા સમયમાં ગંદકી જામવા લાગે છે. તેવામાં જો તમે પાણીની બોટલને યોગ્ય સમયે અને યોગ્ય રીતે સાફ કરતા નથી તો તેમાં એવા બેક્ટેરિયા વધી જાય છે જે તમને બીમાર કરી શકે છે. જી હાં લાંબા સમય સુધી એક જ પાણીની બોટલનો ઉપયોગ કરવાથી તેમાં રહેલા બેક્ટેરિયા ધીમે ધીમે વધવા લાગે છે જેની આપણા શરીર પર પણ ખરાબ અસર પડે છે. તેવામાં પ્રશ્ન થાય કે પાણીની બોટલને કેવી રીતે સાફ કરવી જેથી તેને બેક્ટેરિયાને દુર કરી શકાય. સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યાનુસાર પાણીની બોટલને દરરોજ સાફ કરવી ખૂબ જ જરૂરી છે.
જો તમે લાંબા સમય સુધી બોટલ સાફ કરતાં નથી તો બોટલમાં રાખેલા પાણીમાંથી અલગ પ્રકારની ગંધ આવવા લાગે અને પાણીનો સ્વાદ પણ બદલાય જાય છે. આવું થાય તો તુરંત બોટલ બદલી દેવી. આ સિવાય જો તમે બોટલને નિયમિત સાફ કરવાનું રાખશો તો તે સ્વાસ્થ્ય માટે સારું છે. જ્યારે પણ તમે એક જ પાણીની બોટલનો ઉપયોગ કરો છો ત્યારે તેમાં તળિયે મેલ જામે છે. બોટલ ઉપરથી તો બરાબર સાફ થઈ જાય છે પરંતુ જો તમારે બોટલનું તળિયું સાફ કરવું હોય તો લાંબા બ્રશની મદદ લેવી. જેની મદદથી તમે બોટલના નીચેના ભાગને આરામથી સાફ કરી શકો છો. બોટલ સાફ કરવા માટે અલગ અલગ ટેબલેટ પણ મળે તેનો ઉપયોગ કરીને બોટલને બેક્ટેરિયા ફ્રી કરી શકો છો. આવી ટેબલેટને બોટલમાં મૂકીને આખી રાત રહેવા દેવી અને પછી સવારે બોટલને બ્રશ વડે સાફ કરી લેવી.