પાલનપુરમાં એક એવું દવાખાનું છે કે જે ચાર આનાના દવાખાનાના નામથી ઓળખાય છે. પહેલાં ચાર આનામાં દવા આપવામાં આવતી હતી પણ હવે ચાર આના નહિ હોવાથી એક રૂપિયામાં સારવાઅ આપવામાં આવે છે.
પાલનપુરના કમાલપુરા વિસ્તારમાં આવેલું ચાર આનાનું દવાખાનું. ચાર આના એટલે 25 પૈસા..મણિબહેન ચેરીટેબલ ટ્રસ્ટ દવાખાનું સમગ્ર પાલનપુર શહેરમાં ચાર આનાના નામથી પ્રખ્યાત છે.વર્તમાન સમયમાં ચાર આના ચલણમાં ના હોવાથી એક રૂપિયામાં દર્દીઓને તપાસી એક દિવસની દવા અપાય છે. જો ત્રણ દિવસની દવા લેવી હોય તો પણ માત્ર ત્રણ રૂપિયા જ ચૂકવવા પડે છે. હાલમાં કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા સેંકડો ગરીબ દર્દીઓ અહીં ઈલાજ કરાવી સાજા થઈ રહ્યા છે.
આજથી 48 વર્ષો પહેલાં દવાખાનાની સ્થાપના કરવામાં આવી હતી. વીતેલાં 48 વર્ષોમાં લાખો ગરીબ તથા જરૂરિયાતમંદ લોકો માટે આ દવાખાનું આશીર્વાદરૂપ સાબિત થયું. કોરોનાની બીજી લહેરમાં સેંકડો દર્દીઓ આ દવાખાનામાં ઈલાજ કરાવી સાજા થયા હતાં. હાલમાં ચાલી રહેલ ત્રીજી લહેરમાં પણ દર્દીઓ શરદી,ખાંસી થતાં જ દવાખાનામાં દવા લેવા આવી રહયાં છે. દર વર્ષે ત્રણ લાખની ખોટ વેઠીને પણ ટ્રસ્ટીઓ ગરીબોને સસ્તી સારવાર આપી રહયાં છે.