વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં સવારથી વરસાદે જમાવટ કરી હતી. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં મેઘો મન મકીને 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે તાલુકામાંથી પસાર થતી અશ્વિની નદીમાં પુરની સ્થિતી સર્જાઇ હતી.
વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચ સહિતના મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં બુધવારે બારે મેેઘ ખાંગા થયાં હતાં. વરસાદના પગલે જન જીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. વડોદરાના કિશનવાડી ચામુંડા ચોક વિસ્તારમાં એક જર્જરીત મકાનની ગેલેરી ધડાકા સાથે તૂટી પડી હતી. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાંથી પસાર થતી અશ્વિની નદી બે કાંઠે વહેવાનું શરૂ થયું હતું. નસવાડી તાલુકામાં સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીમાં ધોધમાર 2 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર તાલુકો જળબંબોળ થઇ ગયો હતો. અશ્વિની નદીના કિનારે મૃતકના અગ્નિસંસ્કાર કરવા માટે આવેલા ડાઘુઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.વડોદરામાં સવારથી મેઘરાજાએ જમાવટ કરી હતી. જોકે, મેઘો મન મુકીને વરસ્યો ન હતો. રીમઝીમ વરસી રહેલા વરસાદને પગલે વેપાર-ધંધા ઉપર અસર જોવા મળી હતી. બજારો ખાલી ખમ જોવા મળ્યા હતા. મહેનતકશ લોકોની હાલત કફોડી બની ગઇ હતી.