આગામી સપ્તાહે બંગાળની ખાડીમાં ‘અસની’ તોફાન આવી શકે છે. હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે, દક્ષિણ-પશ્ચિમ હિંદ મહાસાગરની ઉપર બનેલો એક નીચા દબાણનો વિસ્તાર આવતા સપ્તાહની શરૂઆતમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિણમી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આ તોફાન બાદમાં બાંગ્લાદેશ અને તેની નજીકના ઉત્તર મ્યાનમાર તરફ આગળ વધશે. IMD અનુસાર, વર્તમાન લો પ્રેશર એરિયા (LPA) મંગળવારે રચાયું હતું અને તે શનિવાર સુધી પૂર્વ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે.
ત્યાર બાદ તે આંદામાન-નિકોબાર દ્વીપ તરફ આગળ વધશે.હવામાન વિભાગે કહ્યું કે, જે નીચા દબાણનું ક્ષેત્ર બન્યું છે તે 21 માર્ચનાં રોજ ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે, જે 22 માર્ચે ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશા તરફ આગળ વધશે. જો આ ચક્રવાત વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે તો તેનું નામ ‘અસની’ રહેશે. નિયમો અનુસાર, આ ચક્રવાતી તોફાનને શ્રીલંકાએ ‘અસની’ નામ આપ્યું છે.
