હરિપુરમાં પતિએ કરી પત્નીની નિર્મમ હત્યા
દંપતી વચ્ચેના ઝઘડા બાદ આવ્યો કરૂણ અંજામ
પતિ પત્નીના ચરિત્ર પર કરતો હતો શંકા
ઘટના બાદ હત્યારો પતિ થયો હતો ફરાર
પોલીસે કરી હત્યારા પતિની ધરપકડ
સાબરકાંઠા જિલ્લાના ઈડરના હરિપીરમાં પત્ની પર ચારિત્રની શંકા રાખી પતિએ ગળુ દબાવીને નિર્મમ હત્યા કરી નાખતા ચકચાર મચી ગઇ હતી.
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના હરિપુરા ગામની સીમમાંથી એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. મૂળ રાજસ્થાનનો વતની અને હરિપુરામાં ખેતશ્રમિક તરીકે કામ કરતો રમેશ પારધી પોતાની પત્ની સોનીબેન અને નાનકડી દીકરી સાથે ખેતરની ઓરડીમાં રહેતો હતો. રાત્રિના સમયે જમતી વખતે પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
વિવાદ એટલો વધી ગયો કે આવેશમાં આવેલા રમેશે પત્ની સોનીબેનનું ગળું પકડીને સખત રીતે દબાવી દીધું હતું. જ્યાં સુધી સોનીબેને શ્વાસ લેવાનું બંધ ન કર્યું, ત્યાં સુધી નિર્દય પતિએ ગળું દબાવી રાખ્યું હતું, જેના કારણે સોનીબેનનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
હત્યા કર્યા બાદ આરોપી પતિએ ગુનાનો ભેદ છુપાવવા માટે પત્નીના મૂર્તદેહને ખાટલામાં નાખી ઉપર ગાદલું ઢાંકી દીધું હતું. ત્યારબાદ તે પોતાની નાનકડી દીકરીને સાથે લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો હરકતમાં આવ્યો હતો. અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
સઘન શોધખોળ બાદ પોલીસે આરોપી રમેશ પારધીને હિંમતનગરથી દેશોત્તર વચ્ચેથી ઝડપી પાડ્યો છે. હાલ જાદર પોલીસે આરોપીની અટકાયત કરી હત્યાનો ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
