ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આગામી 2027 ODI વર્લ્ડ કપ માટેની તૈયારીઓ તેજ કરી દીધી છે અને ક્રિકેટ ચાહકો માટે એક મોટા સમાચાર આપતા વર્લ્ડ કપ ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. આવતા વર્ષે રમાનારા આ મહાકુંભ પહેલાં, 10 ટીમો વચ્ચે 22 ફેબ્રુઆરીથી 23 માર્ચ, 2027 દરમિયાન ક્વોલિફાયર મેચો રમાશે. આ વખતે વર્લ્ડ કપ સંપૂર્ણપણે નવા ફોર્મેટમાં જોવા મળશે, જેમાં કુલ 14 ટીમો ક્રિકેટના આ સૌથી મોટા તાજ માટે મેદાનમાં ઉતરશે.

જોકે, ICC દ્વારા ક્વોલિફાયર મેચોની તારીખો તો જાહેર કરી દેવામાં આવી છે, પરંતુ આ મેચો કયા દેશમાં કે કયા મેદાન પર રમાશે તેની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. નવા નિયમ મુજબ ક્વોલિફાયરમાં જે ટીમ વિજેતા બનશે, તે સીધી જ 14 ટીમોના મુખ્ય ગ્રુપમાં પોતાની જગ્યા પાકી કરી લેશે.

આ વખતે ટૂર્નામેન્ટનું માળખું ઘણું રસપ્રદ બનાવવામાં આવ્યું છે. ક્વોલિફાયર મેચોમાં બીજા, ત્રીજા અને ચોથા નંબરે રહેનારી ટીમોએ વર્લ્ડ કપના પ્રથમ રાઉન્ડમાં એક ખાસ “સુપર સિરીઝ” રમવી પડશે. આ સુપર સિરીઝના રાઉન્ડમાં જે ટીમ બાજી મારશે, તેને સીધી ટોપ-12 માં એન્ટ્રી મળી જશે.

તમને જણાવી દઈએ કે 2027 નો આ વનડે વર્લ્ડ કપ કોઈ એક દેશ નહીં, પરંતુ ત્રણ દેશો – દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા સંયુક્ત રીતે હોસ્ટ કરવાના છે. વર્લ્ડ કપનો આ રોમાંચ 4 ઓક્ટોબરથી 21 નવેમ્બર દરમિયાન ચાલશે અને તમામ મેચો કુલ 12 અલગ-અલગ સ્ટેડિયમમાં રમાડવામાં આવશે. જેમાં સૌથી વધુ 8 મેદાનો દક્ષિણ આફ્રિકાના હશે, જ્યારે ઝિમ્બાબ્વેમાં 3 અને નામિબિયામાં 1 મેદાન પર મેચો રમાશે.

ક્વોલિફાયરમાં કઈ 10 ટીમો ટકરાશે?

આ ક્વોલિફાયર રાઉન્ડમાં કુલ 10 ટીમો ભાગ લેવાની છે. આ દસ ટીમો કઈ હશે તે 30 સપ્ટેમ્બર, 2026 ના રોજ નક્કી થશે. આ તારીખ સુધીમાં નીચેની ટીમો વચ્ચે મુકાબલો થશે:

ODI રેન્કિંગમાં સૌથી નીચે રહેલી બે “ફુલ મેમ્બર” ટીમો (યજમાન દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેને બાદ કરતાં)

CWC લીગ 2 ની ટોચની 4 ટીમો

વર્લ્ડ કપ ક્વોલિફાયર પ્લેઓફની ટોચની 4 ટીમો