સમગ્ર ગુજરાત રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં પડી રહેલા ભારેથી અતિભારે વરસાદ અને રેડ એલર્ટના પગલે અંકલેશ્વર તાલુકા વકીલ મંડળ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

શહેર અને તાલુકાના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે, જેના લીધે એડવોકેટ્સ તથા પક્ષકારો માટે કોર્ટમાં પહોંચવું મુશ્કેલ બન્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર તાલુકા વકીલ મંડળની તાકીદની મીટિંગમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.
આ ઠરાવ મારફતે અંકલેશ્વર ન્યાયમંદિરના તમામ ન્યાયાધીશશ્રીઓને વિનંતી કરવામાં આવી છે કે, વકીલો કે પક્ષકારોની તારીખ 31 જુલાઈ અને તારીખ 1 ઓગષ્ટના રોજ ગેરહાજરીમાં કેસોને હાલના સ્ટેજ પર જ યથાવત રાખવામાં આવે અને તેમની સામે કોઈ નોટિસ/વોરંટ ન કાઢવા તથા એકતરફી કેસ ન ચલાવવા અરજ કરવામાં આવી છે.
