સતત વરસાદ વચ્ચે વિવિધ સોસાયટી વિસ્તારો જળમગ્ન

પશ્ચિમ વિસ્તાર અને શ્રવણ ચોકડી વિસ્તારમાં જળબંબાકાર

શ્રવણ ચોકડીથી બાયપાસ રોડના નિર્માણમાં મોટી બેદરકારી

ગેઇલ કોલોની નજીક માર્ગ પર વરસાદી પાણીનો ભરાવો

ઠેર ઠેર પાણી ભરાતાનો સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તાર સહિત શ્રવણ ચોકડી વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોડ નિર્માણ દરમિયાન પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં કરાતા આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

ભરૂચ શહેર તથા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે ઠેર ઠેર જળબંબાકાર જેવી પરિસ્થિતીનું નિર્માણ થયું છે. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેમાં શ્રવણ ચોકડીથી દહેજ બાયપાસ સુધી રોડ નિર્માણ દરમિયાન પાણીના નિકાલની યોગ્ય ગટર ન બનાવવામાં આવતા આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા રસ્તાઓ અને સોસાયટીઓ હાલ જળમગ્ન બની ગઈ છે. યોગ્ય આયોજન વગર કરાયેલા કામના કારણે હવે વરસાદી પાણી સોસાયટીઓમાં ઘૂસી ગયા છે. જેનાથી લોકોના ઘરવખરીના સામાનને પણ નુકસાન પહોંચી રહ્યું છે. સ્થાનિકોનો રોષ ચરમસીમાએ પહોંચતા જ સ્થાનિક કોર્પોરેટરો હરકતમાં આવ્યા હતા. લોકોના આક્રોશને જોઈને સ્થાનિક કોર્પોરેટરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, અને તાત્કાલિક JCB મશીન બોલાવવાની ફરજ પડી હતી. હાલ JCB વડે રોડ કિનારે ખોદાણ કરી પાણીના ઉતાવળા નિકાલની તજવીજ હાથ ધરવામાં આવી છે.

તો બીજી તરફ, ભરૂચની શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલી ગેઇલ કોલોનીથી તુલસી હોમ્સ જતાં માર્ગ પર પણ ભારે વરસાદી પાણી ભરાયા છે. અહી મુખ્ય માર્ગ છેલ્લા લાંબા સમયથી ચાલતી મંદગતિની કામગીરીના કારણે અત્યંત દયનીય અને કફોડી હાલતમાં ફેરવાઈ ગયો છે. શ્રવણ ચોકડીથી ગેલ ટાઉનશિપ સહિતના વિસ્તારની 20થી વધુ સોસાયટીઓના મકાનોમાં પાણીનો ભરાવો થયો છે, ત્યારે દર વર્ષે ચોમાસામાં સર્જાતી વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કારણે વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે સ્થાનિક રહેવાસીઓમાં રોષ જોવા મળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે અહીનો માર્ગ પાણીથી ખદબદી ઉઠ્યો છે. જેના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.