ભરૂચમાં નવરાત્રીના પર્વની ઉજવણી
ઠેર ઠેર ગરબા મહોત્સવનું આયોજન
શેરી ગરબાનું પણ આયોજન
યુવાધન હિલ્લોળે ચઢ્યું
ગરબે ઘૂમી માતાજીની કરાય આરાધના
નવરાત્રિના પર્વની ભરૂચ શહેરમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવણી થઈ રહી છે. પાંચમા નોરતે શહેરના વિવિધ વિસ્તારોમાં શેરી ગરબા અને પરંપરાગત ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો સહિત સોસાયટીના રહીશોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ભરૂચના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં બાળકોએ વિવિધ વેશભૂષા ધારણ કરી ગરબે ઘૂમી નવરાત્રિના પર્વની અનોખી ઉજવણી કરી હતી. રંગબેરંગી વસ્ત્રો અને આકર્ષક વેશભૂષામાં સજ્જ બાળકોએ ગરબાની રમઝટ બોલાવી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો.બીજી તરફ, ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી કવિતાધામ ફેઝ-2 સોસાયટીમાં પરંપરાગત ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સોસાયટીના રહીશો એકત્રિત થયા હતા અને માતાજીના ગરબા રમી ભક્તિભાવપૂર્વક નવરાત્રિની ઉજવણી કરી હતી.આમ, ભરૂચ શહેરમાં પાંચમા નોરતે વિવિધ વિસ્તારોમાં ગરબાની રમઝટ સાથે નવરાત્રિનો માહોલ જામ્યો હતો.
