લાભ પાંચમના શુભ મુહૂર્તમાં વેપાર-ધંધાના શ્રી ગણેશ
દિવાળી બાદ બજારો અને જ્વેલર્સ શોરૂમ ફરી ધમધમતા થયા
વિધિવત મુહૂર્ત સાથે વેપારીઓએ કામકાજનો કર્યો પ્રારંભ
ટેક્સટાઈલ માર્કેટ, હીરા બજાર,જ્વેલર્સ શોરૂમ ધમધમતા થયા
વેપાર રોજગાર ધમધમતા થતા જ બજારોમાં રોનક પરત ફરી
સુરત શહેરમાં લાભ પાંચમના શુભદિને વેપાર-ધંધા ફરી એકવાર ધમધમતા થયા હતા.અને વેપારીઓએ શુભ મુહૂર્તમાં વેપાર-ધંધાના શ્રી ગણેશ કર્યા હતા.
દિવાળીના તહેવારોની ઉજવણી બાદ આજે કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમના પવિત્ર દિવસે સુરત શહેરના વેપાર-ધંધા ફરી એકવાર ધમધમતા થયા છે. લાભ પાંચમનો દિવસ નવા કાર્યની શરૂઆત અને સમૃદ્ધિ માટે અત્યંત શુભ માનવામાં આવે છે, ત્યારે આજે સવારથી જ શહેરની વિવિધ બજારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતના સ્થાનિક પંચાંગ મુજબ સવારે 6:49 થી 10:31 વાગ્યા સુધીના મુખ્ય શુભ મુહૂર્તમાં તેમજ બપોરના લાભ અને અમૃત ચોઘડિયામાં વેપારીઓએ પોતાની દુકાનો, ઓફિસો અને પેઢીઓના તાળા ખોલી વિધિવત મુહૂર્ત કર્યું છે.
આજના દિવસે વેપારીઓ દ્વારા પોતાના કાર્યસ્થળે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ખાસ કરીને નવા હિસાબી ચોપડાઓનું પૂજન કરીને તેના પર ‘શુભ-લાભ’ લખીને નવા વર્ષના વેપાર-રોજગારના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. સુરતના ટેક્સટાઈલ માર્કેટ, હીરા બજારની સાથે-સાથે શહેરના મોટા જ્વેલર્સ શોરૂમ પણ આજથી પૂર્ણપણે શરૂ કરી દેવામાં આવ્યા હતા. જ્વેલર્સ દ્વારા પણ શુભ મુહૂર્તમાં પૂજન-અર્ચન કરીને ગ્રાહકો માટે શોરૂમ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા, જેના કારણે બજારોમાં ફરી રોનક પરત ફરી હતી.
