બિહારના સાસારામથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. ગત ગુરુવારે સાંજે, રોહતાસ જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-19 પર, બદમાશોએ ઓટો રિક્ષામાં મુસાફરી કરી રહેલા 2 વિદ્યાર્થીઓને ગોળી મારીને ઘાયલ કર્યા, જેઓ મેટ્રિકની પરીક્ષા આપીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ બન્ને વિદ્યાર્થીઓ દેહરી મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારના શંભુ બિઘા ગામના રહેવાસી છે. આ ઘટના બાદ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે, અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બંને ઉમેદવારો સાસારામના બુધન મોડ સ્થિત સંત અન્ના સ્કૂલમાં મેટ્રિકની પરીક્ષા આપવા આવ્યા હતા. પરીક્ષા દરમિયાન, બન્નેનો શાળામાં ચોરી કરવા અંગે કેટલાક યુવાનો સાથે ઝઘડો થયો હતો, અને આ જ ઝઘડામાં કેટલાક યુવાનોએ તારાચંડી ધામ પાસે ઘરે પરત ફરી રહેલા બન્ને ઉમેદવારો પર ગોળીબાર કર્યો હતો.
સ્થાનિક લોકોની મદદથી, એક ઉમેદવારને તાત્કાલિક નારાયણ મેડિકલ કોલેજમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો, જ્યારે બીજા ઉમેદવારને સદર હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યો, જ્યાં ટ્રોમા સેન્ટરમાં તૈનાત ડોક્ટરે પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઘાયલોને વધુ સારી સારવાર માટે ઉચ્ચ કેન્દ્રમાં રિફર કર્યા હતા.
તે જ સમયે, ટ્રોમા સેન્ટરમાં આવેલા ઘાયલો અંગે, ડૉક્ટરે કહ્યું કે, વિદ્યાર્થીને પીઠમાં ગોળી વાગી હતી, અને કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, તેને રિફર કરવામાં આવ્યો છે. ઘાયલ અમિત કુમાર શંભુ બિઘા ગામના રહેવાસી સત્યેન્દ્ર સિંહ યાદવનો પુત્ર છે, જ્યારે બીજો સંજીત કુમાર હોવાનું કહેવાય છે, જે તે જ ગામના કમલેશ સિંહનો 16 વર્ષનો પુત્ર છે.
અહીં, ઘટનાની માહિતી મળતાં ઘટનાસ્થળે પહોંચેલી ધૌધડ પોલીસ સ્ટેશનની પોલીસે પણ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દીધી છે, અને ગુનેગારોને પકડવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. બન્ને યુવાનોને તારાચંડી મંદિરથી થોડે દૂર ગોળી મારી દેવામાં આવી હતી.
જેના સંદર્ભે પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કરીને કેસની તપાસ શરૂ કરી છે. તેમણે જણાવ્યું કે, બન્ને ઘાયલ યુવાનો મેટ્રિક્યુલેશન પરીક્ષાર્થી છે, અને દેહરી મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારના શંભુ બિઘા ગામના રહેવાસી છે. જેમાંથી એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું.