/connect-gujarat/media/media_files/2026/02/16/alwar-fire-2026-02-16-13-03-05.jpg)
રાજસ્થાનના અલવર જિલ્લાના ખુશખેડા ઔદ્યોગિક ક્ષેત્રમાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા સાત લોકોના જીવતા ભૂંજાઈ જવાથી કરૂણ મોત નિપજ્યા છે. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને અંદર કામ કરી રહેલા લોકોને બહાર નીકળવાની તક પણ મળી નહોતી.
રાજસ્થાનના અલવર જિલ્લાના ખુશખેડા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સોમવારે સવારે 10 વાગ્યાની આસપાસ આ કરૂણ ઘટના બની હતી. પ્લોટ નંબર G-1, 118માં આવેલી આ ફેક્ટરી છેલ્લા ઘણા મહિનાઓથી બંધ પડી હતી. અચાનક ફેક્ટરીમાંથી ધુમાડો નીકળવાનું શરૂ થયું અને જોતજોતામાં આખી ફેક્ટરી આગની લપેટમાં આવી ગઈ હતી.આ દુર્ઘટનામાં 7 લોકો જીવતા સળગી ગયા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફેક્ટરીમાં મોટી માત્રામાં પૂંઠાનો સ્ટોક હોવાથી આગને કાબૂમાં લેતા ફાયર ફાઈટરોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સાવચેતીના ભાગરૂપે આસપાસની ફેક્ટરીઓ ખાલી કરાવવામાં આવી હતી અને વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો. ભિવાડી પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.