હરિયાણામાં આમ આદમી પાર્ટી (AAP) એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડશે. પાર્ટીએ સોમવારે બપોરે 20 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.
AAPની આ યાદીથી સ્પષ્ટ છે કે હવે તે આ ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે. આ પહેલા AAP હરિયાણાના પ્રમુખ સુશીલ ગુપ્તાએ પણ કહ્યું હતું કે જો આજે વાટાઘાટોનો અંત નહીં આવે તો પાર્ટી તમામ 90 બેઠકો પર ઉમેદવારો ઉભા કરશે.
કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધન ન થવાનું મુખ્ય કારણ સીટની વહેંચણી છે. AAP કોંગ્રેસ પાસે 10 સીટો માગી રહી હતી. આ બેઠકો પંજાબ અને દિલ્હીની સરહદે આવેલા જિલ્લાઓમાં હતી. AAPની દલીલ હતી કે બંને જગ્યાએ તેમની સરકાર છે, તેથી તેમને ફાયદો થશે.તેની સામે કોંગ્રેસ માત્ર 5 બેઠકો આપવા પર અડગ રહી હતી. કોંગ્રેસે દિલ્હી-પંજાબ સરહદી વિસ્તારોમાં સીટોની AAPની માગને પણ નકારી કાઢી હતી અને તેમને શહેરી વિસ્તારોમાં ચૂંટણી લડવા કહ્યું હતું.