/connect-gujarat/media/media_files/2025/03/08/SpqsMNPTghJfekBySEmv.jpg)
ભરૂચના વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીના મકાન નંબર આઠમાંથી શિક્ષક દંપત્તિનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવવાના મામલામાં પોલીસે વિવિધ ત્રણ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી ત્યારે આ મામલામાં હવે પોલીસે પરિચિતોની પણ કડક.પૂછપરછ હાથ ધરી છે.
પોલીસ દ્વારા મૃતકના કોલ ડેટા તેમજ ઘરમાંથી મળેલા કેટલાક દસ્તાવેજોની પણ ચકાસણી હાથ ધરવામાં આવી છે ત્યારે કોઈ પરિચિત જ આ સમગ્ર હત્યાકાંડ પાછળ જવાબદાર હોવાનું પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.પોલીસની વિવિધ ટુકડીઓ સુરત જિલ્લા તરફ પણ તપાસ માટે રવાના કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.
વિજયનગર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા જીતેન્દ્રસિંહ બોડાદરા અને તેમની પત્ની લતાબેન બોડાદરાનો ઘરમાંથી જ મૃતદેહ મળી આવ્યો હતો.મૃતક દંપતિ વ્યાજે પૈસા આપવાનો વ્યવસાય પણ કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.ઘરનો દરવાજો લોક હોય કોઈ પરિચિતે જ ઘરમાં પ્રવેશ કર્યો હોવાની માહિતી બહાર આવી રહી છે.આ અંગે પોલીસ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.એ.એસ.પી.અજય કુમાર મીણાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ જરૂરી પુરાવા અને માહિતી મળી શકી નથી અને પોલીસ તપાસ ચાલી રહી છે.