નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી ( NIA ) એ આતંકી હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી મલેશિયાની ધરપકડ કરી છે. ગુરુવારે ધરપકડ કરાયેલ હેપ્પી લુધિયાણા કોર્ટ બોમ્બ વિસ્ફોટનો મુખ્ય કાવતરાખોર છે. આ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને છ લોકો ઘાયલ થયા હતા. આ કેસ લુધિયાણા કમિશનરેટમાં 23 ડિસેમ્બર 2021ના રોજ નોંધવામાં આવ્યો હતો અને NIA દ્વારા 13 જાન્યુઆરી 2022ના રોજ ફરીથી નોંધવામાં આવ્યો હતો. કુઆલાલંપુરથી આવ્યા બાદ દિલ્હીના IGI એરપોર્ટ પર ઉતરતી વખતે તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ તરફ તપાસમાં ખુલાસો થયો છે કે, લખબીર સિંહ રોડેનો સહયોગી પાકિસ્તાન સ્થિત ISYFના સ્વ-પ્રમુખ હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી મલેશિયા રોડે સાથે લુધિયાણા કોર્ટ બિલ્ડિંગ બ્લાસ્ટના કાવતરાખોરોમાંનો એક હતો. રોડેની સૂચનાઓ પર કામ કરીને તેણે કસ્ટમ-મેઇડ IEDsની ડિલિવરીનું સંકલન કર્યું જે પાકિસ્તાનથી ભારતમાં સ્થિત સહયોગીઓને મોકલવામાં આવ્યા હતા. આ IEDનો ઉપયોગ લુધિયાણા કોર્ટ કોમ્પ્લેક્સ બ્લાસ્ટમાં કરવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી વિસ્ફોટકો, હથિયારો અને નાર્કોટીક્સની દાણચોરી સહિતના વિવિધ કેસમાં પણ સંડોવાયેલો હતો અને વોન્ટેડ હતો.
મહત્વનું છે છે કે, આ પહેલા NIAએ હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી મલેશિયા પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. સ્પેશિયલ NIA કોર્ટ દ્વારા તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું અને LOC ખોલવામાં આવ્યું હતું. જોકે હજી આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.