/connect-gujarat/media/media_files/2025/02/23/4jkUHM1eUPwZ6OfMBDiO.jpg)
કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના એક બસ કંડકટરને કથિત રૂપે મરાઠી ન બોલવાના કારણે અમુક લોકોએ માર માર્યો છે.આ ઘટના કર્ણાટકના બેલગાવી શહેરમાંથી સામે આવી છે.આ વિસ્તાર મહારાષ્ટ્ર બોર્ડર પાસે આવેલો છે.આ સમગ્ર ઘટનાએ કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે આંતર રાજ્ય વિવાદનું રૂપ લઈ લીધું છે.બંને રાજ્યો વચ્ચે બસ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે.
કર્ણાટકમાં બેલેગાવીમાં બસ કંડકટર મહાદેવ હુક્કેરીને ફ્રી ટિકિટના એક વિવાદના કારણે માર મારવામાં આવ્યો હતો.કર્ણાટકમાં મહિલાઓને બસમાં મફત મુસાફરીની સુવિધા આપવામાં આવે છે.પરંતુ, એક પુરુષ મુસાફર મફતમાં ટિકિટ માંગી રહ્યો હતો.51 વર્ષના પીડિત કંડક્ટરે જણાવ્યું કે, મફત ટિકિટનો ઈનકાર કરાતા મુસાફરે કહ્યું કે, મરાઠીમાં બોલો.આ દરમિયાન કંડક્ટરે કહ્યું કે, મને ફક્ત કન્નડ જ આવડે છે. ત્યારબાદ વિવાદ વધી ગયો અને બસમાં બેઠેલા 6 થી 7 લોકોને તેના પર હુમલો કરી દીધો અને બસ રોકાતા 50 અન્ય લોકો હુમલો કરવા આવી ગયા હતા.
પોલીસ કમિશનર એડા માર્ટિને જણાવ્યું કે, આ મામલે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. વળી, એક 14 વર્ષના યુવકની કંડક્ટર પર હુમલો કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ સગીર આરોપીએ કંડક્ટર પર યૌન ઉત્પીડનનો પણ આરોપ લગાવ્યો છે. પોલીસે કંડકટર સામે POCSO એક્ટની કલમ 12 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
હુમલાના એક દિવસ બાદ શનિવારે 22 ફેબ્રુઆરી અનેક વિસ્તારોમાં ખૂબ જ રોષ જોવા મળ્યો છે. અનેક કન્નડ સંગઠનોએ વિરોધ પ્રદર્શન અને માર્ચ કાઢી હતી. ત્યારબાદ, કર્ણાટક નવનિર્માણ સેનાના સભ્યોએ ચિત્રદુર્ગમાં એક મરાઠી બસ કંડક્ટરનો ચહેરો કાળો કરી દીધો હતો. આ સિવાય આ બસના કાચ પણ તોડી દેવામાં આવ્યા હતા.
કર્ણાટકના બેલગાવીથી મહારાષ્ટ્ર માટેની બસ સેવા રોકી દીધી છે. આ દરમિયાન ફક્ત કોગનોલી ચેક પોઇન્ટ સુધી જ બસ મોકલવામાં આવી હતી.બાદમાં મહારાષ્ટ્રે પણ કર્ણાટક માટે બસ સેવા બંધ કરી દીધી છે.