આજે સવારે દિલ્હીમાં માદીપુર મેટ્રો સ્ટેશન નજીક રોહતક રોડ પર એક ટ્રકે પાછળથી સિયાઝ કારને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં કાર ચાલકનું મોત થઈ ગયુ છે. આ ઘટનાની જાણકારી મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર ચાલકના મૃતદેહને કબજામાં લઈ વિધિવત કાર્યવાહી શરૂ કરી હતી.
આ અકસ્માત અંગે પોલીસે જણાવ્યું કે, આજે સવારે રોહતક રોડ નજીક એક માર્ગ અકસ્માતની સૂચના મળી હતી. ઘટના સ્થળ પર પહોંચીને જોયુ તો એક ટ્રક ડ્રાઈવરે ઉભેલી કારને ટક્કર મારી દીધી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે કોઈ યાંત્રિક ખામીના કારણે કાર ત્યાં ઉભી હતી ત્યારે પાછળથી ટ્રકે તેને ટક્કર મારતાં બહાર ઉભેલા કાર ડ્રાઈવર ઘાયલ થઈ ગયો હતો. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
મૃતક કાર ડ્રાઈવરની ઓળખ ઈન્સ્પેક્ટર જગબીર સિંહ તરીકે થઈ છે જેઓ હાલમાં દિલ્હી પોલીસની સિક્યોરિટી યુનિટમાં તૈનાત હતા. માર્ગ અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મુકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો છે. આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ ડ્રાઈવરની શોધખોળ કરવામાં આવી રહી છે.