મણિપુરમાં ઉગ્રવાદીઓનું જોર વધી રહ્યું છે. ડ્રોનથી બોમ્બ અને રૉકેટ હુમલો કર્યા બાદ મૈતેઇ અને કુકી ઉગ્રવાદીઓમાં હવે આમને-સામને જંગ શરૂ થઇ ચુકી છે. તાજેતરનો કિસ્સો શનિવારે જિરીબામમાં થયો હતો. કુકી ઉગ્રવાદીઓએ જિરીબામ પોલીસ સ્ટેશનથી માત્ર એક કિમી દૂર 63 વર્ષીય એક મૈતેઇ વૃદ્ધને ઘરમાં ઘૂસીને ગોળી મારી હતી.
કુકી ઉગ્રવાદી એક દિવસ પહેલા સુરક્ષા દળો દ્વારા પહાડી વિસ્તારોમાં તેઓના ત્રણ બંકર નષ્ટ કરવાને કારણે નારાજ હતા. વૃદ્ધની હત્યાથી રોષે ભરાયેલા મૈતેઇ હથિયારધારી લોકોએ કુકી બહુમતી વાળા ગામો પર સતત ગોળીબાર કર્યો હતો. તેના જવાબમાં કુકી ઉગ્રવાદીઓએ પણ ગોળીબાર કર્યો હતો. તેમાં 5 લોકોના મોત થયા હતા. તેમાં ત્રણની ઓળખ કુકી તરીકે થઇ છે. જ્યારે એક મૈતેઇ છે. ગત વર્ષે મેથી શરૂ થયેલી હિંસા બાદ આ સંભવત: પહેલી વાર છે, જ્યારે કુકી ઉગ્રવાદીઓએ મૈતેઇ વિસ્તારોમાં ઘૂસીને કોઇની હત્યા કરી હોય. અત્યારે ચુરાચાંદપુર, જિરીબામ અને વિષ્ણુપુરમાં તણાવ છે.