કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પાએ રાજકારણમાંથી સંન્યાસ લઈ લીધો છે. બુધવારે વિધાનસભામાં સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે આ મારી ફેરવેલ સ્પીચ છે. આ એક દુર્લભ ક્ષણ છે, કારણકે હવે હું ફરીથી ચૂંટણી નહીં લડું. મને બોલવાની તક આપવા માટે આપ સૌનો આભાર.તેમણે ભાષણમાં પીએમ મોદીનો પણ આભાર માન્યો હતો.
તેમણે કહ્યું હતું કે જો ભગવાન મને શક્તિ આપશે તો હું આગામી પાંચ વર્ષ પછી યોજાનારી વિધાનસભાની ચૂંટણી પણ લડીશ. હું ભાજપને સત્તામાં લાવવા માટે મારાથી બનતા તમામ શ્રેષ્ઠ પ્રયાસો કરીશ. મેં પહેલેથી જ કહ્યું છે કે હવે હું ચૂંટણી નહીં લડું, પરંતુ પીએમ મોદી અને પાર્ટી પાસેથી મને જે સન્માન તથા પદ મળ્યાં એતેને હું જીવનભર ભૂલી શકીશ નહીં. પોતાના ભાવુક ભાષણમાં તેમણે કહ્યું હતું કે વિપક્ષ કહે છે કે તેમને મુખ્યમંત્રીપદ પરથી હટાવવામાં આવ્યા છે. આ ખોટું છે. યેદિયુરપ્પાને મુખ્યમંત્રીપદેથી હટાવવામાં આવ્યા નહોતા. યેદિયુરપ્પાએ તેમની ઉંમરને કારણે આ નિર્ણય લીધો હતો.ખરેખર જુલાઈ 2021માં યેદિયુરપ્પાએ પાર્ટી હાઈકમાન્ડના કહેવા પર મુખ્યમંત્રીપદ છોડી દીધું હતું અને તેમના સ્થાને બાસવરાજ બોમ્મઈને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. આ બાબતે વિપક્ષ અનેક વખત યેદિયુરપ્પાના પાર્ટી પદ સામે સવાલ ઉઠાવતું રહ્યું છે.