ગોવાને આઝાદ કરવા માટે 17 ડિસેમ્બરે ઓપરેશન વિજયની શરૂઆત કરવામાં આવી હતી. તા. 19 ડિસેમ્બરના રોજ તત્કાલિન પોર્ટુગીઝ ગવર્નર મેનુ વાસાલો ડી સિલ્વાએ ભારતને શરણાગતિ સ્વીકારતા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તા. 30 મે 1987ના રોજ, ગોવાને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો, અને ગોવા સત્તાવાર રીતે ભારતનું 25મું રાજ્ય બન્યું.
આજે ગોવાનો 62મો મુક્તિ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. વર્ષ 1961માં આ દિવસે ગોવાને પોર્ટુગીઝ સૈનિકોથી આઝાદી મળી હતી. ભારતે કઠોર સંઘર્ષ બાદ બ્રિટિશ શાસનથી આઝાદી મેળવી હતી, પરંતુ તે પછી પણ ગોવા 14 વર્ષ સુધી પોર્ટુગીઝનું ગુલામ રહ્યું. પોર્ટુગીઝોએ 450 વર્ષ સુધી ગોવામાં શાસન કર્યું. દેશ આઝાદ થયાના 14 વર્ષ બાદ લોકોએ ગોવાને પણ આઝાદ કરવાનો સંકલ્પ લીધો હતો, અને માત્ર 36 કલાકમાં પોર્ટુગીઝ સૈનિકોએ ભારત સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. તા. 19 ડિસેમ્બર, 1961ના રોજ હસ્તાક્ષર કર્યા પછી, ગોવા પર પોર્ટુગીઝ શાસન સમાપ્ત થયું અને ત્યારથી, દર વર્ષે 19 ડિસેમ્બરે ગોવા મુક્તિ દિવસ ઉજવવામાં આવે છે. વાસ્કો દ ગામા 1498માં ભારત આવ્યા હતા અને ત્યારબાદ પોર્ટુગીઝોએ થોડા વર્ષોમાં ધીમે ધીમે ગોવા પર કબજો કરી લીધો હતો. વર્ષ 1510 સુધીમાં, પોર્ટુગીઝોએ ભારતના ઘણા ભાગો પર કબજો કરી લીધો હતો. પરંતુ 19મી સદી સુધીમાં, પોર્ટુગીઝ વસાહત ગોવા, દમણ, દાદર, દીવ અને નગર હવેલી સુધી મર્યાદિત હતી. ભયાનક સાંપ્રદાયિક હિંસા અને ભાગલા પછી 1947માં ભારતને અંગ્રેજો પાસેથી સંપૂર્ણ આઝાદી મળી હતી, પરંતુ પોર્ટુગીઝોએ ગોવા અને દેશના અન્ય કોઈપણ ભાગ પરનું તેમનું શાસન સમાપ્ત કરવાનો ઇનકાર કર્યો હતો. શરૂઆતના દિવસોમાં, ભારત સરકારે શાંતિ દ્વારા પોર્ટુગીઝથી છૂટકારો મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ જતા જણાયા. આ પછી, ભારત સરકારે 1955માં ગોવા પર આર્થિક પ્રતિબંધ લાદ્યો, જેના કારણે પોર્ટુગીઝો આત્મસમર્પણ કરશે. પરંતુ આ પ્રયાસ પણ નિષ્ફળ ગયો. કારણ કે, ભારતના ઘણા મુખ્ય દરિયાકાંઠા પોર્ટુગીઝોના નિયંત્રણ હેઠળ હતા, જ્યારે તમામ રાજદ્વારી પ્રયાસો નિષ્ફળ ગયા, ત્યારે વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ ગોવાને મુક્ત કરવા માટે લશ્કરી બળનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો. એક ભાષણ દરમિયાન જવાહરલાલ નેહરુએ કહ્યું હતું કે, ગોવામાં પોર્ટુગીઝ શાસન પિમ્પલ જેવું હતું, જેને નાબૂદ કરવાની જરૂર છે. જોકે, તે એટલું સરળ નહોતું જેટલું તે લાગતું હતું. તે સમયે પોર્ટુગલ 'નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન' (નાટો)નો એક ભાગ હતો અને આ કારણોસર પીએમ નેહરુ કોઈપણ પ્રકારના સૈન્ય મુકાબલોથી દૂર રહ્યા હતા. જોકે, પોર્ટુગીઝની એક ભૂલ ભારત માટે સુવર્ણ તક બનીને ઉભરી આવી હતી. હકીકતમાં, નવેમ્બર 1961માં, પોર્ટુગીઝ સૈનિકોએ માછીમારો પર ગોળીબાર કર્યો હતો, જેના પરિણામે એક માછીમારનું મોત થયું હતું, જે પછી પરિસ્થિતિ કાબૂ બહાર જણાતી હતી. પરિસ્થિતિને પોતાની તરફેણમાં જોઈને, પીએમ નેહરુએ તત્કાલીન સંરક્ષણ પ્રધાન કે.વી. કૃષ્ણ મેનન સાથે ઈમરજન્સી બેઠક યોજી અને કડક પગલું ભરવાનો નિર્ણય કર્યો. ભારતીય નૌકાદળની એક વેબસાઈટ અનુસાર, 19 ડિસેમ્બરે તત્કાલિન પોર્ટુગીઝ ગવર્નર મેનુ વાસાલો ડી સિલ્વાએ ભારતને આત્મસમર્પણ કરવાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ પછી ગોવા સંપૂર્ણપણે ભારતમાં જોડાઈ ગયું અને દમણ-દીવને પણ આઝાદી મળી. આ પછી તા. 30 મે, 1987ના રોજ, ગોવાને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો અને ગોવા સત્તાવાર રીતે ભારતનું 25મું રાજ્ય બન્યું.