અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય આયાત પર ભારે ટેરિફ લાદવામાં આવ્યા હોવા છતાં, ભારતના આર્થિક વિકાસ પર ખાસ અસર પડશે નહીં,
એમ એસપી ગ્લોબલ રેટિંગ્સના મતે.ભારતનું સોવરિન રેટિંગ આઉટલુક સકારાત્મક રહ્યું છે. નિષ્ણાતો માને છે કે, ભારતનું અર્થતંત્ર આ આંચકાનો સરળતાથી સામનો કરી શકશે. કારણ કે, અમેરિકામાં નિકાસ જીડીપીના માત્ર 2% છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય આયાત પર ભારે ટેરિફ લાદી દીધા છે. આ પછી ભારતીય નિકાસકારો નિરાશ થયા છે, પરંતુ S&P ગ્લોબલ રેટિંગ્સના ડિરેક્ટર યિફાર્ન ફુઆ કહે છે કે, આનાથી ભારતની આર્થિક પ્રગતિ પર કોઈ અસર પડશે નહીં. ભારતનું સોવરિન રેટિંગ આઉટલૂક સકારાત્મક રહેશે. નોંધનીય છે કે, રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ દંડ તરીકે, અમેરિકાએ ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાદ્યો છે. 7 ઓગસ્ટથી 25 ટકા ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે, અને બાકીનો 25 ટકા ટેરિફ 28 ઓગસ્ટથી શરૂ થશે. પરંતુ નિષ્ણાતો માને છે કે, ભારતનું અર્થતંત્ર આ આંચકાનો સામનો સરળતાથી કરી શકશે. ફુઆએ બુધવારે એશિયા-પેસિફિક સોવરિન રેટિંગ્સ પર એક વેબિનારમાં જણાવ્યું હતું કે, ભારતનું અર્થતંત્ર વેપાર પર વધુ નિર્ભર નથી. ભારતની અમેરિકામાં નિકાસ GDPના માત્ર 2 ટકા છે. તેથી, આ ટેરિફની ભારતના આર્થિક વિકાસ પર કોઈ મોટી અસર પડશે નહીં.
ગયા વર્ષે મે મહિનામાં, S&Pએ ભારતના સોવરિન રેટિંગ 'BBB-' ને સકારાત્મક દૃષ્ટિકોણ આપ્યો હતો. આ દેશના મજબૂત આર્થિક વિકાસને કારણે હતું. S&Pના તાજેતરના અનુમાન મુજબ, આ નાણાકીય વર્ષમાં ભારતનો GDP વૃદ્ધિ દર 6.5 ટકા રહેશે. આ ગયા વર્ષ જેટલો જ છે. ફુઆએ જણાવ્યું હતું કે, ફાર્માસ્યુટિકલ્સ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ જેવા મુખ્ય નિકાસ ક્ષેત્રોને ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું, "લાંબા ગાળે, અમને નથી લાગતું કે, આ ટેરિફ ભારતના અર્થતંત્ર માટે મોટો ફટકો હશે. તેથી, ભારતનો સકારાત્મક દૃષ્ટિકોણ અકબંધ રહે છે, જ્યારે પૂછવામાં આવ્યું કે શું યુએસ ટેરિફ ભારતમાં રોકાણોને અસર કરશે, ત્યારે ફુઆએ કહ્યું કે, કંપનીઓ છેલ્લા કેટલાક વર્ષોથી 'ચાઇના પ્લસ વન' વ્યૂહરચના હેઠળ ભારતમાં તેમનો વ્યવસાય વધારી રહી છે. આ કંપનીઓ મોટે ભાગે ભારતની વિશાળ સ્થાનિક માંગને પહોંચી વળવા માટે અહીં આવી રહી છે, ફક્ત યુએસમાં નિકાસ કરવા માટે નહીં. ઘણી કંપનીઓ ભારતમાં રોકાણ કરી રહી છે. કારણ કે, અહીં મધ્યમ વર્ગ ઝડપથી વધી રહ્યો છે. જે લોકો ભારતમાં રોકાણ કરી રહ્યા છે. તેઓ ફક્ત યુએસ બજારને લક્ષ્ય બનાવી રહ્યા નથી,"