Connect Gujarat
દેશ

હિમાચલ : ધર્મશાળાના ભાગસૂમાં વાદળ ફાટ્યું; તેજ પ્રવાહ કારણે અનેક વાહનો તણાયા

X

હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. પર્યટન ક્ષેત્ર ભાગસૂમાં સોમવાર સવારે વાદળ ફાટવાથી અચાનક પૂર આવી ગયું. જોતજોતામાં જ એક નાનું નાળું નદીમાં પરિવર્તિત થઈ ગયું. પૂરથી ભાગસૂના નાળા ઓવરફલો થઈ ગયા. આ નાળામાં પાણીના તેજ પ્રવાહને કારણે અનેક લક્ઝરી કાર તણાઈ ગઈ.

આ નાળાની બંને બાજુએ હોટલો પણ આવેલી છે. વાદળ ફાટવાથી આ હોટલોને પણ નુકસાન પહોંચ્યું છે. બીજી તરફ, સ્થાનિક લોકો વાદળ ફાટવા અને ત્યારબાદ નદી-નાળાઓમાં આવેલા પાણીના પૂરના કારણે ડરની સ્થિતિમાં છે. ભાગસૂમાં પૂરના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સોશિયલ મીડિયા પર ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે પાણીના તેજ વહેણમાં ગાડીઓ તણાઈ રહી છે.

હિમાચલ પ્રદેશના અનેક જિલ્લાઓમાં રવિવાર રાતથી જ વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી અહીંના લોકો પણ ગરમીથી પરેશાન થઈ ગયા હતા. જોકે, સોમવારે લોકોને ગરમીથી રાહત તો મળી છે, પરંતુ ભારે વરસાદથી અનેક સ્થળે નુકસાનીના સમાચાર સામે આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાના સમાચારો અનેકવાર આવતા રહે છે. થોડા દિવસો પહેલા હિમાચલ પ્રદેશમાં પણ વાદળ ફાટ્યું હતું. તેનાથી ત્યાં મૂશળધાર વરસાદ પડ્યો અને વાદળ ફાટવાથી પૂરની સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. રસ્તાઓ ઉપરાંત અનેક ગાડીઓ પર ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. જોકે, કોઈ જાનમાલનું નુકસાનના અહેવાલ નહોતા.

Next Story