દિલ્હી હાઈકોર્ટે એક કેસમાં સુનાવણી કરતા મહત્વનો આદેશ કર્યો છે,અને જણાવ્યું છે કે હવે કોઈપણ ખાનગી હોસ્પિટલ દુષ્કર્મ પીડિતા, એસિડ એટેક સર્વાઈવરને મફત સારવાર આપવાનો ઇન્કાર કરી શકશે નહીં.
કોર્ટે એક કેસમાં સુનાવણી કરતાં ધ્યાન દોર્યું હતું કે, કોર્ટ અને દિલ્હી સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીએ વારંવાર હસ્તક્ષેપ કર્યો હોવા છતાં પીડિતાને એક ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સારવાર માટે રાહ જોવી પડી હતી.
દિલ્હી હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે, દિલ્હીમાં પ્રત્યેક મેડિકલ સુવિધાએ એક બોર્ડ લગાવવું પડશે, જેમાં લખવુ પડશે કે, દુષ્કર્મ પીડિતા, ગેંગરેપ, એસિડ એટેક પીડિતાઓ માટે નિઃશુલ્ક બાહ્ય અને આંતરિક ઉપચાર.
હોસ્પિટલો દ્વારા દિશાનિર્દેશોનું પાલન કરવા આદેશ આપતાં હાઈકોર્ટે કહ્યું છે કે, આ ગુનાઓમાં પીડિતાઓની તાત્કાલિક ધોરણે તપાસ કરી નિદાન કરવુ પડશે તેમજ એચઆઈવી જેવી બીમારી માટે સારવાર પણ આપવી પડશે. દુષ્કર્મ, એસિડ એટેક અને યૌન હુમલાની પીડિતાઓને તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો તેમજ નર્સિંગ હોમમાં મફત સારવાર પ્રદાન કરવી પડશે.તેઓ મફત સારવારનો ઇન્કાર કરી શકશે નહીં.અને જો એ ઇન્કાર કરશે તો દંડને પાત્ર થશે.