છ આરોપીને આજીવન કેદ અને 30 લાખનો દંડ ફટકારતી કોર્ટ રાજસ્થાનના બહુચર્ચિત 1992ના અજમેર સેકસ કાંડમાં એક મોટો ચુકાદો આવ્યો છે. કોર્ટે છ આરોપીઓને દોષી ઠેરવીને આજીવન કેદની સજા સંભળાવી છે. આ સાથે જ તમામ 6 કેદીઓને 30 લાખનો દંડ પણ ફટકાર્યો છે. અજમેરની પોક્સો કોર્ટે 6 આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા.32 વર્ષ બાદ આ કેસમાં ચુકાદા સમયે તમામ આરોપીઓ કોર્ટમાં હાજર હતા.
1992માં અજમેરની એક ગેંગે સ્કૂલ અને કોલેજમાં ભણતી લગભગ 250 છોકરીઓના નગ્ન ફોટોગ્રાફ્સ મેળવ્યા હતા. ત્યારબાદ તેઓએ 100 થી વધુ વિદ્યાર્થીનીઓને લીક કરવાની ધમકી આપીને સામૂહિક બળાત્કાર કર્યો. ગેંગના સભ્યો સ્કૂલની વિદ્યાર્થિનીઓને ફાર્મહાઉસ પર બોલાવતા હતા. તેમની સાથે સામૂહિક બળાત્કાર કરતા હતા. ઘણી શાળાઓ અજમેરની જાણીતી ખાનગી શાળાઓ હતી.
આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક અખબારે તેનો પર્દાફાશ કર્યો. તે સમયે આ છોકરીઓની ઉંમર 11 થી 20 વર્ષની હતી.આરોપીઓમાં નફીસ ચિશ્તી, નસીમ ઉર્ફે ટારઝન, સલીમ ચિશ્તી, ઇકબાલ ભાટી, સોહેલ ગની અને સૈયદ ઝમીન હુસૈનનો સમાવેશ થાય છે. પોક્સો કોર્ટે આ તમામને દોષિત જાહેર કર્યા છે. દોષી સાબિત થયા પછી, પોલીસે તમામને કસ્ટડીમાં લીધા અને ચુકાદા સમયે બપોરે 2 વાગ્યે ફરીથી કોર્ટમાં રજૂ કર્યા હતા.
આ કેસમાં કુલ 18 આરોપીઓ હતા. જેમાંથી 9 ને પહેલા જ સજા થઈ ચૂકી છે, જ્યારે એક આરોપીએ આત્મહત્યા કરી લીધી હતી. વેપારીના પુત્ર પર કુકર્મ ગુજારવાનો અન્ય એક આરોપી સામે અલગ કેસ ચાલી રહ્યો છે. એક આરોપી હજુ ફરાર છે, જેને કોર્ટે ભાગેડુ જાહેર કર્યો છે.