Connect Gujarat
દેશ

જલિયાંવાલા બાગ હત્યાકાંડ : ભારતમાં સ્વાતંત્ર્યસંગ્રામનો શરૂઆતનો સૌથી ગોઝારો બનાવ,જુઓ કનેક્ટ ગુજરાતની વિશેષ રજૂઆત

જલિયાવાલા બાગ હત્યા કાંડ... આ શબદ સાંભળતાની સાથે જ દરેક ભારતીયના મનમાં અંગ્રેજોએ કરેલ ક્રૂર વર્તનની છ્બી માનસપટ પર ઉભી થઈ જાય છે.

X

જલિયાવાલા બાગ હત્યા કાંડ... આ શબદ સાંભળતાની સાથે જ દરેક ભારતીયના મનમાં અંગ્રેજોએ કરેલ ક્રૂર વર્તનની છ્બી માનસપટ પર ઉભી થઈ જાય છે.આ ઘટના અમૃતસરમાં 1919માં બની હતી ત્યારે આવો જાણીએ આ હત્યાકાંડ શા માટે સર્જાયો હતો. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ બ્રિટિશ સરકાર ભારતને નક્કર સુધારા આપશે તેવી આશાથી ગાંધીજીએ બ્રિટિશ સરકારને પ્રથમ વિશ્વયુદ્ધમાં પ્રત્યેક પ્રકારની સહાય કરી પરંતુ યુદ્ધ પૂરું થતાં જ સરકારે વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્યને હણી લેતો દમનકારી રૉલેટ કાયદો પસાર કર્યો.

રૉલેટ કાયદાના સૌથી ગંભીર પ્રત્યાઘાતો પંજાબમાં પડ્યા. પંજાબના લેફ્ટનન્ટ ગવર્નર માઇકલ ઓડવાયરે લોકોને ધારા સામેના કોઈ પણ પ્રકારના આંદોલનથી દૂર રહેવા સખત ચેતવણી આપતાં પરિસ્થિતિ વધારે બગડી. અમૃતસર તથા પંજાબનાં અન્ય શહેરોમાં 6ઠ્ઠી એપ્રિલ, 1919થી લોકોએ વિશાળ સભાઓ, સરઘસો, દેખાવો તથા હડતાળો દ્વારા ધારાનો ઉગ્ર વિરોધ કર્યો. આના અનુસંધાનમાં માઇકલ ઓડવાયરે પંજાબના લોક-આગેવાનો ડૉ. કિચલુ તથા ડૉ. સત્યપાલની 8મી એપ્રિલે ધરપકડ કરીને પંજાબની સરહદ બહાર અજાણ્યા સ્થળે મોકલી દીધા. લોકોએ આના ઉગ્ર પ્રત્યાઘાતો આપ્યા. અમૃતસર તથા પંજાબનાં અન્ય શહેરોમાં બૅંકો, સરકારી મકાનો, સ્ટેશનો વગેરે લૂંટવામાં આવ્યાં. બે-ચાર અંગ્રેજોની પણ હત્યા કરવામાં આવી.

અન્યાયી રૉલેટ કાયદા તથા સરકારી દમનનીતિ સામે વિરોધ વ્યક્ત કરવા અમૃતસરના જલિયાંવાલા બાગમાં 13-4-1919ના રોજ સાંજે ચાર વાગ્યે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્ત્રી, પુરુષો તથા બાળકો મળીને આશરે 10,000 લોકો એકત્રિત થયા. જલિયાંવાલા બાગ તે ખરેખર બાગ નથી; પરંતુ ચારે તરફ ફરતી આશરે પાંચેક ફૂટ ઊંચી દીવાલ સહિતની વિશાળ ખુલ્લી જગા છે. તેને ફક્ત એક જ પ્રવેશદ્વાર છે અને એક સાંકડી ગલીમાંથી તેમાં પ્રવેશી શકાય છે.સભા શરૂ થતાં જ જનરલ ડાયર લશ્કરી ટુકડી સાથે બાગના પ્રવેશદ્વારે આવી પહોંચ્યો. નિયમ અનુસાર લોકોને વીખરાઈ જવાની તેણે કોઈ ચેતવણી આપી નહિ અને પોતાના સૈનિકોને લોકો પર ગોળીબાર કરવાનો હુકમ આપ્યો. એકાએક ગોળીઓ છૂટતાં લોકોમાં નાસભાગ થઈ. કેટલાક યુવાનોએ દીવાલો કૂદીને પોતાના જાન બચાવ્યા. આજુબાજુનાં મકાનોમાં રહેતા લોકોએ દોરડાં નાખીને અમુકને બચાવી લીધા; પરંતુ નાસવા અશક્ત એવા મોટા ભાગનાં વૃદ્ધો, બાળકો તથા સ્ત્રીઓ ગોળીબારનાં ભોગ બન્યાં. કુલે 1650 રાઉન્ડ છોડવામાં આવ્યા. સરકારી આંકડા પ્રમાણે માર્યા ગયેલા લોકોની સંખ્યા 376 તથા ઘવાયેલાઓની સંખ્યા 1200ની હતી. સરકાર નિયુક્ત હન્ટર સમિતિની બહુમતીનો અહેવાલ પણ એકપક્ષીય હતો; પરંતુ કૉંગ્રેસે નિયુક્ત કરેલી સમિતિએ સ્થળની મુલાકાત લઈને, આજુબાજુના 1700 જેટલા લોકોનાં નિવેદનો લઈને આધારભૂત રીતે તપાસ કર્યા બાદ જાહેર કર્યું કે મૃત્યુ પામેલાની સંખ્યા આશરે 1200ની હતી તથા ઘવાયેલાઓની સંખ્યા લગભગ 3600 જેટલી હતી. ઘવાયેલાઓ માટે સારવારની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી.

જલિયાંવાલા બાગની અમાનુષી કતલના પ્રત્યાઘાત રૂપે પંજાબનાં શહેરો— લાહોર, શેખપુરા, ગુજરાનવાલા, કસુર વગેરેમાં મોટા પાયે તોફાનો ફાટી નીકળ્યાં હતા અને અંગ્રેજ સરકારની દમનકારી નીતિનો ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારે આજે જલિયાવાલા બાગના તમામ શહીદોને કનેક્ટ ગુજરાત પરિવાર શત શત નમન કરે છે

Next Story