Connect Gujarat
દેશ

આજે મમતા બેનર્જીના ભાગ્યનો ફેસલો; દીદી CM તરીકે રહેશે કે પછી ખુરશી જશે.?

આજે મમતા બેનર્જીના ભાગ્યનો ફેસલો; દીદી CM તરીકે રહેશે કે પછી ખુરશી જશે.?
X

પશ્ચિમ બંગાળમાં થયેલી વિધાનસભા પેટાચૂંટણીનો આજે પરિણામનો દિવસ છે. 30 સપ્ટેમ્બરના રોજ પશ્ચિમ બંગાળની ત્રણ વિધાનસભા બેઠક ભવાનીપુર, જંગીપુર અને શમશેરગંજ માટે મતદાન થયું હતું. હાલ મતગણતરી શરૂ થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ભવાનીપુર વિધાનસભા બેઠક પર તૃણમૂલ કોંગ્રેસ તરફથી ચૂંટણીના મેદાનમાં છે. જ્યારે ભાજપે તેમના વિરુદ્ધ પ્રિયંકા ટિબરેવાલને મેદાનમાં ઉતાર્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બની રહેવા માટે મમતા બેનર્જીએ આ ચૂંટણી જીતવી જરૂરી છે.

પશ્ચિમ બંગાળમાં 21 રાઉન્ડની મતગણતરી થશે. હાલ ટીએમસી ત્રણેય બેઠક જંગીપુર, ભવાનીપુર અને શમશેરગંજ પર આગળ છે. હાઈ પ્રોફાઈલ ભવાનીપુર બેઠક પર ટીએમસીના મમતા બેનર્જી 2799 મતથી આગળ છે.

પશ્ચિમ બંગાળના સીએમ બની રહેવા માટે 5 નવેમ્બર પહેલા મમતા બેનર્જીએ રાજયની વિધાનસભાના સભ્ય બનવું જરૂરી છે. નહીં તો તેમણે પદ છોડવું પડશે. બધારણની કલમ 164(4) મુજબ જો કોઈ વ્યક્તિ વિધાનસભાના સભ્ય ન હોય અને મુખ્યમંત્રી બની જાય તો તેણે 6 મહિનાની અંદર રાજ્યની વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય બનવું જરૂરી છે. પશ્ચિમ બંગાળમાં વિધાન પરિષદ નથી આથી મમતા બેનર્જીએ વિધાનસભાના સભ્ય બનવું જરૂરી છે.

સીએમ મમતા બેનર્જી વિધાનસભા ચૂંટણી 2021માં પશ્ચિમ બંગાળની નંદીગ્રામ બેઠક પરથી ભાજપના શુભેન્દુ અધિકારી સામે 1956 મતોથી હાર્યા હતા. જ્યારે તે સમયે ભવાનીપુર બેઠક પરથી ટીએમસીના શોભનદેવ ચટ્ટોપાધ્યાય ચૂંટણી જીત્યા હતા. તેમણે જો કે મમતા બેનર્જી માટે વિધાયક પદેથી રાજીનામું આપી દીધુ.

પેટાચૂંટણીમાં જંગીપુર વિધાનસભા બેઠક પર 76.12 ટકા મતદાન થયું હતું. જ્યારે શમશેરગંજ વિધાનસભા બેઠક માટે 78.60 ટકા લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જ્યારે ભવાનીપુર બેઠક માટે મતદાન 30 નવેમ્બરે થયું હતું અને 53.32 ટકા નાગરિકોએ પેટાચૂંટણીમાં મત આપ્યો હતો.

ભવાનીપુર એ મમતા બેનર્જીની પરંપરાગત બેઠક છે. પરંતુ ગઈ વખતે તેમણે નંદીગ્રામથી ચૂંટણી લડી. જ્યાં ભાજપના શુભેન્દુ અધિકારીએ તેમને હરાવ્યા હતા. મહત્વની વાત એ છે કે આ બેઠક પર 70 ટકાથી વધુ મતદારો નોન બંગાળી છે. જેમાં મોટાભાગના ગુજરાતી મૂળના છે. ગુજરાતી મૂળના લોકો મમતા બેનર્જીને પોતાના પ્રતિનિધિ માનતા ખચકાય છે. જો તેની અસર મત પર પડશે તો મમતા બેનર્જી માટે મુશ્કેલી થઈ શકે છે.

Next Story